<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

'સોનાર બંગાળ' માટે પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: બંગાળની જનતાને ભાવુક પત્ર લખી 'પરિવર્તન' માટે કર્યું આહ્વાન

દેવી કાલીના આશીર્વાદ અને મહાપુરુષોના સ્મરણ સાથે પીએમ મોદીએ બંગાળના ભવિષ્યનો નવો રોડમેપ દોર્યો; મહિલા સુરક્ષા અને વિકાસના મુદ્દે મમતા સરકારને ઘેર્યા

કોલકાતા, તા.૨૩: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો શંખનાદ ફૂંકાય તે પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના નાગરિકોના નામે એક ખુલ્લો પત્ર જારી કરીને સીધો જનસંવાદ સાધ્યો છે. હિન્દી અને બંગાળી ભાષામાં લખાયેલા આ પત્રમાં તેમણે "મારું સોનાર બંગાળ" (મારું સોના જેવું બંગાળ) ના વિઝન સાથે રાજ્યના સર્વાંગી વિકાસ માટે જનતાનો સાથ માંગ્યો છે.
શક્તિની આરાધના અને ઐતિહાસિક વારસાનો ઉલ્લેખ
પીએમ મોદીએ પત્રની શરૂઆત દેવી કાલીના આહ્વાન સાથે કરી હતી. તેમણે રવિન્દ્રનાથ ટાગોર, સુભાષ ચંદ્ર બોઝ અને શ્યામા પ્રસાદ મુખર્જી જેવી મહાન હસ્તીઓના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, બંગાળની પવિત્ર ભૂમિએ હંમેશા દેશને નવી દિશા આપી છે. પરંતુ આજે આ ભૂમિને ભય અને હિંસા મુક્ત બનાવીને ફરીથી 'વિકસિત બંગાળ' બનાવવાની જરૂર છે.
કેન્દ્રની યોજનાઓ અને રાજ્ય સરકાર સામે સવાલો
વડાપ્રધાને પત્રમાં દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારના અસહકાર છતાં ભાજપ સરકારે બંગાળના લાખો લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડી છે. તેમણે મુખ્યત્વે આ યોજનાઓ પર ભાર મૂક્યો:
•    ઉજ્જવલા યોજના: લાખો બહેનોને રસોડાના ધુમાડાથી મુક્તિ.
•    આયુષ્માન ભારત: ગરીબોને આરોગ્યની સુરક્ષા કવચ.
•    જન ધન યોજના: ગરીબ પરિવારોને સીધા બેંકિંગ સિસ્ટમ સાથે જોડ્યા.
•    કિસાન સન્માન નિધિ: ખેડૂતોના ખાતામાં સીધી આર્થિક સહાય.
 
પત્રના મુખ્ય અને આકરા મુદ્દાઓ:
•    કાયદો અને વ્યવસ્થા: પીએમએ રાજ્યમાં થતી રાજકીય હિંસા અને મહિલાઓ વિરુદ્ધના અપરાધો પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
•    ઘૂસણખોરીનો મુદ્દો: ગેરકાયદેસર ઘૂસણખોરી બંગાળની અસ્મિતા અને સુરક્ષા માટે ખતરો હોવાનું જણાવી તેમણે 'સુશાસન' પર ભાર મૂક્યો હતો.
•    પરિવર્તનનો સંકલ્પ: તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "બંગાળમાં પરિવર્તન હવે અનિવાર્ય છે."
૨૦૨૬ની ચૂંટણી માટે રણશિંગુ
આ પત્ર માત્ર એક સંદેશ નથી, પરંતુ આગામી ૨૦૨૬ની ચૂંટણી માટે પીએમ મોદીનો સીધો જનતાને સંદેશ છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે, મોદીએ બંગાળી જનતાના દિલ જીતવા માટે વિકાસની સાથે-સાથે બંગાળી સંસ્કૃતિ અને સુરક્ષાના કાર્ડનો ઉપયોગ કર્યો છે. પત્રના અંતે તેમણે તમામ નાગરિકોને 'વિકસિત બંગાળ' ની આ યાત્રામાં સક્રિયપણે જોડાવા અપીલ કરી છે.

(4:12 PM IST)