News of Monday, 23rd February 2026
રોકાણકારોનો નવો મંત્ર: ભારત-કોરિયા છોડો, હવે લેટિન અમેરિકામાં વરસી રહ્યો છે ડોલરનો વરસાદ!
છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ વિદેશી મૂડીનો પ્રવાહ બ્રાઝિલ અને મેક્સિકો તરફ વળ્યો; MSCI લેટિન અમેરિકા ઇન્ડેક્સ ૨૦% ઉછળી ૧૧ વર્ષની સર્વોચ્ચ સપાટીએ

મુંબઈ: વૈશ્વિક શેરબજારમાં અત્યારે એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) હવે ભારત કે દક્ષિણ કોરિયા જેવા એશિયન બજારોને બદલે લેટિન અમેરિકન દેશોના શેરબજાર પર મંજૂરીની મહોર લગાવી રહ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ ક્ષેત્રમાં છેલ્લા ૧૦ વર્ષની સૌથી વધુ વિદેશી મૂડી ઠલવાઈ રહી છે, જેના કારણે બ્રાઝિલ, કોલંબિયા અને મેક્સિકોના માર્કેટ્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
બ્રાઝિલ અને કોલંબિયામાં કેમ છે આટલી તેજી?
વૈશ્વિક બજારના નિષ્ણાતો માને છે કે લેટિન અમેરિકા અત્યારે રોકાણકારો માટે 'સ્વીટ સ્પોટ' બની ગયું છે. MSCI લેટિન અમેરિકા ઇન્ડેક્સ ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૨૦% ઉછળીને ૧૧ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ખાસ કરીને બ્રાઝિલ અને કોલંબિયામાં વ્યાજદરમાં સંભવિત ઘટાડો અને ત્યાંની આગામી ચૂંટણીઓના સમીકરણો રોકાણકારોને આકર્ષી રહ્યા છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પના વૈશ્વિક ટેરિફના નિર્ણયને ફગાવી દેવાતા આ દેશોની નિકાસ વધવાની આશાએ બજારમાં નવી જાન ફૂંકી છે.
ETFમાં રોકાણનો રેકોર્ડ તૂટ્યો
અમેરિકામાં લિસ્ટ થયેલા લેટિન અમેરિકાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) માં રેકોર્ડબ્રેક રોકાણ આવી રહ્યું છે. બ્લેકરોક (BlackRock) ના 'iShares Latin America 40 ETF' માં માત્ર જાન્યુઆરીમાં જ ૧ અબજ ડોલરથી વધુનું રોકાણ આવ્યું છે. અબજપતિ રોકાણકાર સ્ટેન્લી ડ્રકનમિલર જેવા દિગ્ગજોએ પણ બ્રાઝિલના ETFમાં હિસ્સો વધારતા બજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લેટિન અમેરિકામાં રોકાણ પાછળના મુખ્ય કારણો:
• વ્યાજદરમાં ઘટાડો: બ્રાઝિલની સેન્ટ્રલ બેંક માર્ચ મહિનાથી વ્યાજદરમાં ૧૫% ના લેવલથી ઘટાડો શરૂ કરી શકે તેવી પ્રબળ શક્યતા છે.
• રાજકીય પરિવર્તન: રોકાણકારો દાવ લગાવી રહ્યા છે કે જો આગામી ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાની હાર થાય અને વિપક્ષ સત્તામાં આવે, તો બજારમાં હજુ વધુ તેજી આવશે.
• સસ્તી વેલ્યુએશન: ભારત અને અન્ય એશિયન બજારોની સરખામણીએ લેટિન અમેરિકન શેર હજુ પણ આકર્ષક ભાવે ઉપલબ્ધ છે.
રોકાણકારો માટે જોખમ શું છે?
જોકે, વિદેશી રોકાણકારો માટે આ રસ્તો ફૂલોની પથારી જેવો નથી. સ્થાનિક રાજકીય અસ્થિરતા અને વામપંથી (Left-wing) વિચારધારા ધરાવતી સરકારોની જીત બજાર માટે જોખમી સાબિત થઈ શકે છે. તેમ છતાં, અત્યારે જે રીતે વિદેશી મૂડીનો પ્રવાહ વહી રહ્યો છે તે જોતા એવું લાગે છે કે ટૂંકા ગાળામાં ભારત કરતા લેટિન અમેરિકા વધુ વળતર આપી શકે છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
