<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

“પત્ની ક્યારેય નવરી નથી બેસતી!”: હાઈકોર્ટે ગૃહિણીઓને ‘બેરોજગાર’ ગણનારા માનસિકતાના લીરેલીરા ઉડાડ્યા

ઘરકામ એ આળસ નથી પણ અદ્રશ્ય આર્થિક યોગદાન છે : જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માનો ઐતિહાસિક ચુકાદો: પત્ની ઘર સંભાળે છે એટલે જ પતિ બહાર જઈને કમાઈ શકે છે, ભરણપોષણ નક્કી કરતી વખતે મહિલાઓના શ્રમનું મૂલ્ય સમજવું અનિવાર્ય

નવી દિલ્હી:  દિલ્હી હાઈકોર્ટે લાખો ગૃહિણીઓના પક્ષમાં એક એવી ગર્જના કરી છે જે સમાજની વર્ષો જૂની સંકુચિત માનસિકતા પર સીધો પ્રહાર કરે છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે પત્નીઓ ઘરની બહાર જઈને પૈસા નથી કમાતી તેમને ‘નિષ્ક્રિય’ કે ‘પતિ પર નિર્ભર’ ગણવી એ બહુ મોટી ભૂલ છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે, એક ગૃહિણી જે અદ્રશ્ય શ્રમ કરે છે તે ઘરના આર્થિક પાયાને મજબૂત રાખે છે. જો પત્ની ઘરની જવાબદારીઓ ન સંભાળે, તો પતિ માટે બહાર જઈને નિશ્ચિંત થઈને નાણાં કમાવવાનું અશક્ય બની જાય. તેથી, ઘરકામને ક્યારેય પણ આળસ કે બિન-ઉત્પાદક કાર્ય ગણવાની ભૂલ કરવી જોઈએ નહીં.

કોર્ટે ભરણપોષણના એક કેસની સુનાવણી દરમિયાન પતિની તે દલીલોને ફગાવી દીધી હતી જેમાં પત્નીને ‘નિષ્ક્રીય’ ગણાવવામાં આવી હતી. ન્યાયાધીશે ભાર મૂક્યો હતો કે, લગ્ન જીવન દરમિયાન પત્ની દ્વારા આપવામાં આવતા બિન-નાણાકીય યોગદાનનું આર્થિક મૂલ્ય ઘણું ઊંચું છે. બેરોજગારીનો અર્થ એ નથી કે વ્યક્તિ નવરી બેઠી છે; હકીકતમાં, ગૃહિણીના શ્રમને કારણે જ કમાતો જીવનસાથી અસરકારક રીતે પોતાનું કામ કરી શકે છે. ચુકાદામાં કહેવાયું છે કે, ગૃહિણીના શ્રમને અવગણવું એ માત્ર અન્યાયી જ નહીં પણ અવાસ્તવિક પણ છે. આ ચુકાદો ભવિષ્યમાં ભરણપોષણના કેસોમાં મહિલાઓના હક અને સન્માન માટે એક મિસાલ (Precedent) સાબિત થશે.

ન્યાયતંત્રના આ વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે કાયદો માત્ર બેંક બેલેન્સ કે પગારને જ ‘આવક’ નથી ગણતો, પરંતુ ઘરની ચાર દીવાલો વચ્ચે થતી અથાણ મહેનતને પણ ‘આર્થિક મૂલ્ય’ તરીકે ઓળખે છે. જસ્ટિસ શર્માએ કડક શબ્દોમાં ઠપકો આપતા કહ્યું કે, સમાજે ઘરકામને આળસ સમજવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ. પત્ની ક્યારેય ખાલી બેસતી નથી, તે તો ઘરના સુગમ સંચાલનનું એન્જિન છે. આ ઐતિહાસિક ચુકાદાએ મહિલાઓના ઘરકામને કાનૂની માન્યતા અને સામાજિક ગૌરવ અપાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે, જે ખાસ કરીને વૈવાહિક વિવાદોમાં મહિલાઓને વધુ મજબૂત બનાવશે.

(6:47 PM IST)