News of Monday, 23rd February 2026
આતંકવાદનો અંત લાવવા ભારતનો ‘પ્રહાર’: ડાર્ક વેબથી લઈને સ્લીપર સેલ સુધી, દુશ્મનોના દરેક નાપાક મનસૂબા હવે થશે પસ્ત!
ગૃહ મંત્રાલયની પ્રથમ આતંકવાદ વિરોધી નીતિ ‘PRAHAAR’ જાહેર : હવે માત્ર બંદૂકધારી ઘૂસણખોરો જ નહીં, પણ ક્રિપ્ટો અને ડ્રોન ચલાવતા ‘ડિજિટલ આતંકીઓ’ પણ ભારતીય એજન્સીઓના નિશાના પર

નવી દિલ્હી: ભારત સરકારે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં એક ઐતિહાસિક કદમ ઉઠાવતા દેશની પ્રથમ સત્તાવાર આતંકવાદ વિરોધી નીતિ ‘પ્રહાર’ (PRAHAAR) રજૂ કરી છે. અત્યાર સુધી ભારત પાસે આધુનિક ટેકનોલોજી આધારિત આતંકવાદને નાથવા માટે કોઈ લેખિત કેન્દ્રીય નીતિ નહોતી, પરંતુ હવે ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે ભારતનો આ નવો ગેમ પ્લાન દુશ્મનો માટે અભેદ્ય કિલ્લો સાબિત થશે. ‘પ્રહાર’ નીતિ મુજબ, હવે યુદ્ધનું મેદાન માત્ર સરહદો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ઇન્ટરનેટના ડાર્ક વેબ, ક્રિપ્ટો વોલેટ્સ અને સોશિયલ મીડિયાના એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ સુધી વિસ્તર્યું છે. આ નીતિમાં સ્પષ્ટ જણાવાયું છે કે આતંકવાદનો કોઈ ધર્મ કે જાતિ હોતી નથી, પરંતુ તેનો ચહેરો હવે AK-47 થી બદલાઈને હાઈ-ટેક ગેજેટ્સ અને સાયબર હુમલાઓ સુધી પહોંચી ગયો છે.
આ નીતિમાં સૌથી ભયાનક ખતરા તરીકે ‘CBRNED’ (રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ, પરમાણુ, વિસ્ફોટક અને ડિજિટલ) હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકાર માને છે કે આતંકવાદી સંગઠનો હવે એવા વિજ્ઞાનનો સહારો લઈ રહ્યા છે જે આખા દેશના પાવર ગ્રીડને ઠપ્પ કરી શકે અથવા ઝેરી ગેસથી સામૂહિક વિનાશ કરી શકે. ‘પ્રહાર’ હેઠળ ભારત હવે આ ‘અકલ્પનીય’ જોખમો સામે લડવા માટે વિશેષ દળો તૈયાર કરી રહ્યું છે. આ ઉપરાંત, સરહદ પારથી આવતા ડ્રોન, જે ડ્રગ્સ અને હથિયારો સપ્લાય કરે છે, તેને રોકવા માટે પણ એન્ટી-ડ્રોન ટેકનોલોજી અને જાસૂસી નેટવર્કને વધુ ધારદાર બનાવવામાં આવ્યું છે.
માત્ર સૈન્ય તાકાત જ નહીં, પણ ‘માઇન્ડ ગેમ’ દ્વારા આતંકવાદને જડમૂળથી ઉખાડવા પર પણ આ નીતિ ભાર મૂકે છે. અલ-કાયદા અને ISIS જેવા સંગઠનો જે રીતે ભારતીય યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા છે, તેનો સામનો કરવા માટે સરકાર હવે ઉદારવાદી કાર્યકરો અને NGO ની મદદ લેશે. ‘પ્રહાર’ એ સ્પષ્ટ કરે છે કે સ્લીપર સેલ અને વિદેશમાં બેઠેલા આકાઓ વચ્ચેના નેટવર્કને તોડવા માટે સ્થાનિક ગુનેગારો પર પણ નજર રાખવામાં આવશે. આ ગેમ પ્લાન દ્વારા ભારત વિશ્વને સંદેશ આપી રહ્યું છે કે હવે આતંકવાદના કોઈપણ સ્વરૂપને સાંખી લેવામાં આવશે નહીં અને બદલાતા સમય સાથે ભારતનો વળતો ‘પ્રહાર’ વધુ ઘાતક અને સચોટ હશે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
