News of Monday, 23rd February 2026
પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત: સ્લીપર બસ પલટી ખાતા ચીસાચીસ : ૭ મુસાફરોના કરુણ મોત!
મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો એક્સપ્રેસ વે: પાણીપતથી બિહાર જઈ રહેલી બસે કાબૂ ગુમાવ્યો : ૪૦ થી વધુ ઘાયલોની હાલત ગંભીર : હોસ્પિટલમાં રક્તની નદીઓ વહી અને પરિવારજનોમાં માતમ છવાયો

લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ પાસે સોમવારની સાંજ ગોઝારી સાબિત થઈ છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ગોસાઈગંજ વિસ્તારમાં એક અત્યંત ઝડપે દોડી રહેલી સ્લીપર કોચ બસ અચાનક પલટી મારી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ૭ નિર્દોષ મુસાફરોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો, જ્યારે ૪૦ થી વધુ લોકો લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. બસ પાણીપતથી બિહારના અરહરિયા જઈ રહી હતી, ત્યારે જૌખંડી ગામ પાસે ટોલ પ્લાઝા નજીક ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ કરૂણાંતિકા સર્જાઈ હતી.
અકસ્માત એટલો ભીષણ હતો કે બસ પલટી ખાતાની સાથે જ મુસાફરોની ચીસાચીસથી આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. બસના કાચ તોડીને અને લોખંડના પતરા કાપીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે ચારેબાજુ લોહી અને મુસાફરોનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ પણ પોલીસની મદદ કરી ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની ટ્રોમા સેન્ટર હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં અનેક મુસાફરોની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે.
પ્રાથમિક તપાસ મુજબ, અકસ્માત પાછળનું મુખ્ય કારણ બસની અતિશય ઝડપ અથવા ડ્રાઈવરને આવેલી ઝોકું હોવાનું મનાય છે. સાંજનો સમય હોવાથી અને એક્સપ્રેસ વે પર ટ્રાફિક વધુ હોવા છતાં બસ બેકાબૂ બની હતી. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી છે અને મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં એક્સપ્રેસ વે પરથી ક્રેઈનની મદદથી બસને ખસેડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ આ અકસ્માતે હાઈવે પર મુસાફરી કરતા લોકોની સુરક્ષા અને સ્પીડ લિમિટના પાલન પર ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
