<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

મમતા સરકારને હાઈકોર્ટનું ‘ફાઈનલ અલ્ટીમેટમ’: બંગાળમાં હવે ગેરકાયદેસર બાંધકામો પર કેન્દ્રીય બળોના ‘બુલડોઝર’ ફેરવવાની તૈયારી!

પૂર્વ કોલકાતાની જળભૂમિમાં ૫૦૦ થી વધુ ગેરકાયદે બાંધકામો પર જસ્ટિસ અમૃતા સિંહાનું કડક વલણ : “જો રાજ્ય પોલીસ કાયદો અને વ્યવસ્થા ન સંભાળી શકે તો અમે કેન્દ્રીય દળો બોલાવીશું,”

કોલકાતા:  પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ફરી એકવાર મોટું ઘર્ષણ જોવા મળી રહ્યું છે. કોલકાતા હાઈકોર્ટે પૂર્વ કોલકાતાના સંરક્ષિત જળભૂમિ  વિસ્તારમાં ફૂટી નીકળેલા ૫૦૦ થી વધુ ગેરકાયદેસર બાંધકામો પર અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અમૃતા સિંહાએ સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપ્યું છે કે જો રાજ્ય વહીવટીતંત્ર અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાંધકામો તોડી પાડવામાં નિષ્ફળ જશે, તો કોર્ટ કેન્દ્રીય દળોની મદદ લેતા ખચકાશે નહીં. કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ કેસમાં પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપીને સંકેત આપ્યો છે કે હવે બંગાળમાં ગેરકાયદે બાંધકામો પર કેન્દ્રના માર્ગદર્શન હેઠળ ‘બુલડોઝર’ એક્શન જોવા મળી શકે છે.

સોમવારે થયેલી સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા કાગળ પરના અહેવાલોને ફગાવી દીધા હતા. દક્ષિણ ૨૪ પરગણાના જિલ્લા મેજિસ્ટ્રેટના રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે, "અમને માત્ર કાગળ પરના અહેવાલોમાં રસ નથી, અમારે જમીન પર વાસ્તવિક કાર્યવાહી જોવી છે." જ્યારે સરકારી અધિકારીઓએ બચાવમાં દલીલ કરી કે ચોબાગા જેવા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો હટાવવા જતી ટીમનો સ્થાનિક લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, ત્યારે કોર્ટે વળતો પ્રહાર કરતા કહ્યું કે જો રાજ્યની પોલીસ ભીડને કાબૂમાં લેવા અને કાયદો જાળવવા અસમર્થ હોય, તો કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવાનો આદેશ આપવામાં આવશે.

આ મામલો પર્યાવરણની દ્રષ્ટિએ અત્યંત ગંભીર છે, કારણ કે આ જળભૂમિ કોલકાતાના ફેફસાં સમાન છે અને ત્યાં થતા ગેરકાયદે બાંધકામો શહેરના અસ્તિત્વ માટે ખતરો છે. હાઈકોર્ટની આ કડક ટિપ્પણી બાદ હવે બંગાળના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે, કારણ કે કેન્દ્રીય દળોના હસ્તક્ષેપની વાત સીધી રીતે રાજ્યના અધિકારક્ષેત્ર પરના સવાલ તરીકે જોવામાં આવે છે. કોર્ટે હવે આ કેસની આગામી સુનાવણી ૧૬ માર્ચના રોજ નક્કી કરી છે. જો ત્યાં સુધીમાં રાજ્ય સરકાર કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે, તો બંગાળમાં કેન્દ્રીય એજન્સીઓના બુલડોઝર ગાજતા જોવા મળી શકે છે.

(7:03 PM IST)