<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

સરહદ પર ‘ડોલર’ વાળા ફુગ્ગા: જમ્મુના આકાશમાંથી ટપક્યું પાકિસ્તાની કાવતરું: સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ!

અખનૂરમાં પાકિસ્તાની મોબાઈલ નંબર અને સ્કેનરવાળા ફુગ્ગા મળતા ખળભળાટ : અમેરિકન ડોલર અને પાકિસ્તાની ચલણ જોઈને ગ્રામજનો ચોંક્યા

જમ્મુ:  જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં સોમવારે આકાશમાંથી રહસ્યમયી રીતે ઉતરી આવેલા બે ફુગ્ગાઓએ સુરક્ષા દળોની ઉંઘ ઉડાવી દીધી છે. ખૌર પોલીસ સ્ટેશન હેઠળના નીલી નાલા વિસ્તારમાં આવેલા ગુનારા ગામમાં જ્યારે સ્થાનિકોએ આ ફુગ્ગાઓ જોયા, ત્યારે તેમને અંદાજો નહોતો કે તેમાં વિદેશી ચલણ છુપાયેલું હશે. આ સફેદ રંગના ફુગ્ગાઓ પર પાકિસ્તાની મોબાઈલ નંબર અને એક શંકાસ્પદ સ્કેનર જેવી ઈમેજ પણ છાપેલી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ ફુગ્ગાઓ સાથે પાકિસ્તાની રૂપિયાની સાથે સાથે અમેરિકન ડોલર પણ બાંધેલા મળી આવ્યા છે, જેણે આ ઘટનાને માત્ર એક અકસ્માતને બદલે ઊંડા કાવતરા તરફ દોરી છે.

[Image representing a balloon flying across a barbed wire border with currency notes attached to its string]

સ્થાનિક રહેવાસીઓએ સતર્કતા દાખવી તુરંત પોલીસને જાણ કરી હતી, જેના બાદ સુરક્ષા એજન્સીઓએ આખા વિસ્તારને સીલ કરી દીધો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ફુગ્ગાઓ પવનની ગતિને કારણે સરહદ ઓળંગીને આવ્યા છે કે પછી પાકિસ્તાની એજન્સીઓ દ્વારા જાણીજોઈને કોઈ ‘લોજિસ્ટિક ટેસ્ટિંગ’ માટે મોકલવામાં આવ્યા છે. ફુગ્ગાઓ પર રહેલા સ્કેનર અને મોબાઈલ નંબર આતંકવાદીઓના કોઈ ગુપ્ત નેટવર્ક અથવા સ્લીપર સેલને ફંડ પહોંચાડવાની પદ્ધતિ હોઈ શકે તેવી આશંકા પણ સેવવામાં આવી રહી છે. હાલમાં જપ્ત કરાયેલા આ ચલણ અને ફુગ્ગાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે અખનૂર, સાંબા અને કઠુઆ જેવા સરહદી વિસ્તારોમાં અગાઉ પણ ‘PIA’ (પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ) લખેલા ફુગ્ગાઓ મળી આવ્યા છે, પરંતુ ડોલર અને પાકિસ્તાની ચલણ સાથેની આ ઘટનાએ તપાસને વધુ ગંભીર બનાવી દીધી છે. ડ્રોન બાદ હવે ફુગ્ગાઓનો આ નવો પ્રયોગ સુરક્ષા એજન્સીઓ માટે નવો પડકાર છે. પોલીસ અને સેનાએ સરહદી ગામડાઓમાં હાઈ-એલર્ટ જાહેર કરી દીધું છે અને ગ્રામજનોને વિનંતી કરી છે કે જો આકાશમાંથી આવી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નીચે ઉતરે તો તેને અડ્યા વગર તુરંત સુરક્ષા દળોને જાણ કરે.

(7:55 PM IST)