News of Monday, 23rd February 2026
ભારતની વધશે 'સ્ટ્રાઈક રેન્જ': ઈઝરાયલની 'ગોલ્ડન હોરાઈઝન' મિસાઇલ પર ભારતની નજર, બ્રહ્મોસ કરતા પણ તેજ રફતારથી દુશ્મનના બંકરો ફૂંકી મારશે
૨૦૦૦ કિમી સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક મિસાઇલની ઓફર; ચીન અને પાકિસ્તાનના ભૂગર્ભ પરમાણુ મથકો હવે વાયુસેનાના નિશાના પર, સુખોઈ-30 માં થશે તૈનાત

નવી દિલ્હી,: ભારતીય વાયુસેના (IAF) ની તાકાતમાં અનેકગણો વધારો કરવા માટે ભારત સરકાર અત્યારે ઈઝરાયલની એક ઘાતક ઓફર પર ગંભીર વિચારણા કરી રહી છે. ઈઝરાયલે ભારતને તેની અદ્યતન 'ગોલ્ડન હોરાઈઝન' (Golden Horizon) એર-લોન્ચ્ડ બેલિસ્ટિક મિસાઇલ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ મિસાઇલ માત્ર બ્રહ્મોસ કરતા પણ વધુ ઝડપી નથી, પરંતુ તેની રેન્જ દુશ્મનના પ્રદેશમાં ઊંડે સુધી જઈને વિનાશ વેરવા માટે સક્ષમ છે.
બંકર બસ્ટર: પાતાળમાં છુપાયેલા દુશ્મનનો પણ કાળ
'ગોલ્ડન હોરાઈઝન' મિસાઇલની સૌથી મોટી વિશેષતા તેની હાઈ-સ્પીડ અને ઊંડાણમાં ઘૂસી જવાની ક્ષમતા છે. તે ખાસ કરીને ભૂગર્ભ કમાન્ડ બંકરો, મજબૂત લશ્કરી માળખાઓ અને પરમાણુ કેન્દ્રોને નિશાન બનાવવા માટે બનાવવામાં આવી છે. જ્યારે આ મિસાઇલ આકાશમાંથી લોન્ચ કરવામાં આવે છે, ત્યારે તે અત્યંત ઊંચાઈ પર જઈને બેલિસ્ટિક માર્ગ પકડે છે અને નીચે ઉતરતી વખતે તેની ઝડપ 'હાઈપરસોનિક' એટલે કે અવાજની ગતિ કરતા ૫ ગણી (મેક ૫) થી પણ વધી જાય છે. આટલી પ્રચંડ ઝડપને કારણે દુશ્મનની રડાર સિસ્ટમ તેને રોકવામાં નિષ્ફળ રહે છે.
સુખોઈ-30 બનશે વધુ ઘાતક
સંરક્ષણ નિષ્ણાતોના મતે, જો આ મિસાઇલ સોદો પાર પડે છે, તો તેને ભારતીય વાયુસેનાના સુખોઈ Su-30MKI ફાઇટર જેટ સાથે જોડવામાં આવશે. સુખોઈની રેન્જ અને મિસાઇલની ૧,૦૦૦ થી ૨,૦૦૦ કિમીની ક્ષમતા મળીને ભારતને એવી તાકાત આપશે કે જે એશિયાના પ્રાદેશિક સુરક્ષા સમીકરણો બદલી નાખશે. અત્યાર સુધી ભારત પાસે ઈઝરાયલની 'રેમ્પેજ' અને 'લોરા' જેવી સિસ્ટમો છે, જેની રેન્જ ૨૫૦ થી ૪૦૦ કિમી છે, પરંતુ 'ગોલ્ડન હોરાઈઝન' ભારતની પહોંચને સીધી હજારો કિલોમીટર સુધી વધારી દેશે.
'ગોલ્ડન હોરાઈઝન' ની વિશિષ્ટતાઓ:
• રેન્જ: ૧,૦૦૦ થી ૨,૦૦૦ કિલોમીટર.
• ઝડપ: હાઈપરસોનિક લેવલ (બ્રહ્મોસ કરતા વધુ તેજ).
• લક્ષ્ય: જમીનથી સેંકડો ફૂટ નીચે આવેલા લશ્કરી અડ્ડાઓ.
• લોન્ચિંગ પ્લેટફોર્મ: સુખોઈ Su-30MKI જેવા ફાઇટર એરક્રાફ્ટ.
વ્યૂહાત્મક મહત્વ
ભારત અત્યારે અગ્નિ શ્રેણીની મિસાઇલો દ્વારા જમીન પરથી પ્રહાર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે, પરંતુ આકાશમાંથી લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છોડવાની ક્ષમતા ભારતને 'સ્ટેન્ડ-ઓફ સ્ટ્રાઇક' (દુશ્મનની રડાર રેન્જની બહાર રહીને હુમલો કરવો) માં મહારત અપાવશે. ઈઝરાયલની આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ભારત પોતાની સંરક્ષણ નિકાસ અને આયાત બંનેમાં સંતુલન જાળવી રહ્યું છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
