News of Monday, 23rd February 2026
બાંગ્લાદેશમાં સત્તાપલટો પછી નવો વિસ્ફોટ: રાષ્ટ્રપતિ શહાબુદ્દીને મોહમ્મદ યુનુસના ખોલ્યા 'કાચા ચિઠ્ઠા', કહ્યું- "મને બંગભવનમાં કેદ કરી રાખ્યો હતો"
યુનુસે રાષ્ટ્રપતિ પદની ગરિમાના ધજાગરા ઉડાવ્યા અને બંધારણનું ઉલ્લંઘન કર્યું; વિદેશ પ્રવાસોથી લઈને અમેરિકા સાથેના સોદા સુધી રાષ્ટ્રપતિને રખાયા અંધારામાં - ઢાકામાં રાજકીય ભૂકંપ

ઢાકા:બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી સ્થપાયેલી વચગાળાની સરકાર અને હવે તારિક રહેમાનના નેતૃત્વમાં બનેલી નવી BNP સરકાર વચ્ચે રાજકીય ઘમસાણ તેજ બન્યું છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને એક ચોંકાવનારો ખુલાસો કરતા પૂર્વ મુખ્ય સલાહકાર અને નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. શહાબુદ્દીનનો દાવો છે કે યુનુસે તેમના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ પદને નબળું પાડવા અને બંધારણને નેવે મૂકવા માટે તમામ પ્રયાસો કર્યા હતા.
રાષ્ટ્રપતિ શહાબુદ્દીને આરોપ લગાવ્યો છે કે મોહમ્મદ યુનુસે મનમાની પૂર્વક શાસન ચલાવ્યું હતું. યુનુસ પોતાના કાર્યકાળ દરમિયાન ૧૪ થી ૧૫ વખત વિદેશ પ્રવાસે ગયા હતા, પરંતુ રાષ્ટ્રપતિ તરીકે તેમને એક પણ પ્રવાસની જાણ કરવામાં આવી ન હતી. એટલું જ નહીં, રાષ્ટ્રપતિના પોતાના કતાર અને કોસોવોના પ્રવાસો પણ ખોટા બહાના હેઠળ રદ કરી દેવામાં આવ્યા હતા. શહાબુદ્દીને કટાક્ષમાં કહ્યું કે, "આપણા બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ એટલા 'વ્યસ્ત' કરી દેવાય છે કે તેમને કંઈ પૂછવાની પણ તસ્દી લેવામાં આવતી નથી."
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, વિદેશમાં આવેલા બાંગ્લાદેશી દૂતાવાસોમાંથી રાષ્ટ્રપતિના ફોટા પણ હટાવી દેવામાં આવ્યા હતા. શહાબુદ્દીને દાવો કર્યો કે તેમના પ્રેસ વિભાગ અને ફોટોગ્રાફરને છૂટા કરી દેવાયા હતા જેથી તેઓ સ્વતંત્ર રીતે પ્રેસ રિલીઝ પણ જારી ન કરી શકે. હદ તો ત્યારે થઈ જ્યારે બાંગ્લાદેશી ક્રિકેટ ટીમની જીત પર અભિનંદન સંદેશ મોકલવાની પણ તેમને મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે ગંભીરતાપૂર્વક જણાવ્યું કે તેમને એક પ્રકારે રાષ્ટ્રપતિ ભવન (બંગભવન)માં કેદ કરી દેવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ શહાબુદ્દીનના મુખ્ય આરોપો:
બંધારણીય ઉલ્લંઘન: યુનુસે રાષ્ટ્રપતિની બંધારણીય સત્તાઓની અવગણના કરી.
ગોપનીય સોદા: બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચેના વેપાર સોદાઓથી રાષ્ટ્રપતિને અંધારામાં રખાયા.
ગેરવર્તણૂક: યુનુસે ક્યારેય રાષ્ટ્રપતિની મુલાકાત લીધી નહોતી અને સંસ્થાકીય સંકલન તોડ્યું હતું.
છબી ખરાબ કરવાનો પ્રયાસ: રાષ્ટ્રપતિ પદની ગરિમા ઓછી કરવા જાણીજોઈને પ્રયાસો થયા.
રાષ્ટ્રપતિના આ નિવેદનથી ઢાકાના રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે. જે મોહમ્મદ યુનુસને શહાબુદ્દીને જ મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા, હવે તેમની સામે જ મોરચો ખોલતા બાંગ્લાદેશમાં કાયદાકીય અને રાજકીય લડાઈ તેજ બને તેવા સંકેતો છે. BNP સરકારના શાસનમાં હવે યુનુસ સામે તપાસનો ગાળિયો કસાય તેવી પૂરી શક્યતા જોવામાં આવી રહી છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
