News of Monday, 23rd February 2026
બિહાર રાજ્યસભા ચૂંટણીમાં 'હિના શાહાબ' કાર્ડ: RJD ધારાસભ્યની મોટી માંગ, ઓવૈસીના પાવર અને ક્રોસ-વોટિંગના ડરથી NDA છાવણીમાં ફફડાટ
એક તીર અને અનેક નિશાન: હિના શાહાબને ઉમેદવાર બનાવી ઓવૈસીના ૫ ધારાસભ્યોને ખેંચવાની રણનીતિ; RJD નેતા ભાઈ વીરેન્દ્રનો દાવો- "હિના મેદાનમાં ઉતરશે તો શાસક પક્ષમાં પડશે ભંગાણ"

પટણા :બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે યોજાનારી ચૂંટણીએ રાજ્યના રાજકીય તાપમાનમાં જોરદાર વધારો કર્યો છે. આ વખતે જંગ માત્ર બેઠકો જીતવા પૂરતો નથી, પણ અસ્તિત્વ અને નવા ગઠબંધનનો છે. RJDના વરિષ્ઠ ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ પૂર્વ સાંસદ શહાબુદ્દીનની પત્ની હિના શાહાબને મેદાનમાં ઉતારવાની માંગ કરીને રાજકીય ભૂકંપ લાવી દીધો છે. તેમનું માનવું છે કે હિના શાહાબના નામ પર વિપક્ષી એકતા મજબૂત થશે અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો સાથ મળવો આસાન બની જશે.
બિહારમાં હાલમાં AIMIM પાસે ૫ ધારાસભ્યો છે. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે ૪૧ મતોની જરૂર છે, જ્યારે RJD અને મહાગઠબંધન પાસે અત્યારે ૩૫ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. એટલે કે, જીત માટે હજુ ૬ મતોની ઘટ છે. જો હિના શાહાબ ઉમેદવાર બને, તો ઓવૈસીના ૫ ધારાસભ્યો અને એક BSP ધારાસભ્યનું સમર્થન મેળવીને તેજસ્વી યાદવ આ 'હારતી બાજી' જીતમાં પલટી શકે છે. ભાઈ વીરેન્દ્રએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે જો હિના ચૂંટણી લડશે, તો NDA ના કેટલાક ધારાસભ્યો પણ અંતરાત્માના અવાજે ક્રોસ-વોટિંગ કરી શકે છે.
બીજી તરફ, ઓવૈસીની પાર્ટીના પ્રદેશ પ્રમુખ અખ્તરુલ ઈમાને પણ પોતાનો દાવ ખેલ્યો છે. તેમણે પ્રસ્તાવ મૂક્યો છે કે જો આખું મહાગઠબંધન AIMIM ના ઉમેદવારને ટેકો આપે, તો તેઓ રાજ્યસભામાં પોતાનો પ્રતિનિધિ મોકલી શકે છે. આ દરમિયાન વિપક્ષી નેતાઓની ઓવૈસી સાથેની ગુપ્ત મુલાકાતોએ બિહારના રાજકારણમાં કંઈક 'મોટું' થવાના સંકેતો આપ્યા છે.
રાજ્યસભા ચૂંટણીનું આંકડાકીય ગણિત:
કુલ બેઠકો: ૫ (એપ્રિલમાં ખાલી થઈ રહેલી મુદત).
જીતવા માટે જરૂરી મતો: ૪૧ ધારાસભ્યોનું સમર્થન.
NDA ની સ્થિતિ: ૨૦૨ ધારાસભ્યો (૪ બેઠકો પાકી, ૫મી માટે ૩ મતોની ઘટ).
મહાગઠબંધનની સ્થિતિ: ૩૫ ધારાસભ્યો (૧ બેઠક જીતવા માટે ૬ મતોની જરૂર).
નિર્ણાયક મતો: AIMIM (૫) અને BSP (૧).
ચૂંટણી પંચે ૧૬ માર્ચે મતદાનની તારીખ જાહેર કરી છે. એપ્રિલમાં જે સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે તેમાં હરિવંશ, રામનાથ ઠાકુર અને ઉપેન્દ્ર કુશવાહા જેવા મોટા નામો સામેલ છે. હવે જોવાનું એ રહેશે કે શું તેજસ્વી યાદવ પોતાના જૂના સાથી એવા શાહાબુદ્દીન પરિવાર પર ભરોસો મૂકીને હિના શાહાબને ટિકિટ આપશે? જો તેમ થશે, તો બિહારની પાંચમી બેઠક માટેનો જંગ અત્યંત રોમાંચક બની જશે
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
