તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ મહાસુદ – ૧ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
રાંચીથી દિલ્હી જઈ રહેલું ખાનગી એર એમ્બ્યુલન્સ વિમાન રહસ્યમય રીતે ક્રેશ: વિમાનમાં સવાર ૭ લોકોના ભાવિ અંગે અસમંજસ, જંગલ વિસ્તારમાંથી કાટમાળ મળી આવતા વહીવટી તંત્રમાં દોડધામ : જુઓ વિડીયો
બિરસા મુંડા એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ૨૩ મિનિટમાં જ રડાર પરથી સંપર્ક તૂટ્યો; સિમરિયાના ખાસિયાતુ કરમટાંડ જંગલમાંથી એન્જિન અને પ્રોપેલર જેવા શંકાસ્પદ અવશેષો મળ્યા, DGCA અને બચાવ ટુકડીઓ દ્વારા સર્ચ ઓપરેશન તેજ

રાંચી:ઝારખંડની રાજધાની રાંચીથી દિલ્હી માટે ઉડાન ભરેલું એક ખાનગી ચાર્ટર એર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ થયું હોવાના સમાચારથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કુલ ૭ લોકો સવાર હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પરથી રવાના થયાના થોડા જ સમયમાં વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ સિમરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાસિયાતુ કરમટાંડ જંગલમાંથી વિમાનનો શંકાસ્પદ કાટમાળ મળી આવતા આશંકા સેવાઈ રહી છે કે વિમાન ત્યાં જ ક્રેશ થયું છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે જાનહાનિની પુષ્ટિ કરવામાં આવી નથી.
ઉડાન બાદ ૨૩ મિનિટમાં જ વિમાન ગાયબ થયું
માહિતી મુજબ, ખાનગી એર એમ્બ્યુલન્સ (VT-AJV) એ રાંચી એરપોર્ટ પરથી સાંજે ૭:૧૧ વાગ્યે દિલ્હી જવા માટે ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન સાંજે ૭:૩૪ વાગ્યે અટાલી વિસ્તાર પાસે વિમાનનો છેલ્લો સંપર્ક થયો હતો. પાયલોટની છેલ્લી વાતચીત કોલકાતા ક્ષેત્રના એટીસી (VHF ફ્રીક્વન્સી ૧૩૨.૨૫ MHz) સાથે થઈ હતી. ત્યારબાદ વિમાન સાથેનો કોઈ પણ રેડિયો સંપર્ક થઈ શક્યો ન હતો. વારાણસી એર ટ્રાફિક કંટ્રોલના જણાવ્યા અનુસાર, વિમાન તેમના એરસ્પેસમાં પ્રવેશ્યા પછી સંપર્કમાં આવ્યું ન હતું.
જંગલમાંથી મળ્યો એન્જિન અને પ્રોપેલરનો કાટમાળ
વિમાનનો સંપર્ક તૂટ્યાના અડધા કલાક બાદ, રાત્રે ૮:૦૫ વાગ્યે રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (RCC) ને સક્રિય કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સિમરિયાના જંગલ વિસ્તારમાં પ્રોપેલર અને એન્જિન જેવા વિમાનના ભાગો જોવા મળ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું છે. જંગલ વિસ્તાર હોવાના કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
DGCA ની કાર્યવાહી અને દેખરેખ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના સૂત્રોએ જણાવ્યું છે કે ચાર્ટર પ્લેન ઉડાન ભર્યાના ટૂંક સમયમાં જ રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. આ અંગે રાજ્ય સરકારને જાણ કરી દેવામાં આવી છે અને તમામ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં એજન્સીઓ વિમાનમાં સવાર મુસાફરોની સ્થિતિ અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે સતત દેખરેખ રાખી રહી છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
