<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

આયર્લેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓ સામે વંશીય ટિપ્પણીઓમાં વધારો: સોશિયલ મીડિયા પર તણાવ વધ્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ટેલિગ્રામ પર કેટલાક ઉશ્કેરણીજનક સંદેશાઓમાં ભારતીય વિદ્યાર્થીઓને દેશ છોડી દેવાની ધમકી

આયર્લેન્ડમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં એક યુનિવર્સિટીના ફૂડ બેંકમાં વધતી જતી ભીડના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારતીય વિદ્યાર્થીઓ વિરુદ્ધ વંશીય ટિપ્પણીઓનું પૂર ઉમટ્યું છે. 
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, આયર્લેન્ડની એક જાણીતી યુનિવર્સિટીમાં સંસાધનોની અછતને કારણે વિદ્યાર્થીઓને ફૂડ બેંકમાંથી પરત મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત થતા જ કેટલાક સ્થાનિક વપરાશકર્તાઓએ ભારતીય વિદ્યાર્થીઓ પર 'લૂંટ' ચલાવવાનો પાયાવિહોણો આરોપ લગાવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ટેલિગ્રામ પર કેટલાક ઉશ્કેરણીજનક સંદેશાઓમાં ભારતીય વિદ્યાર્થીઓને દેશ છોડી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. આ સંદેશાઓમાં કહેવામાં આવ્યું છે કે જો તેઓ સ્વેચ્છાએ નહીં જાય તો તેમને બળપૂર્વક બહાર કાઢવામાં આવશે.
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર પાસે મદદ ન માંગવા અંગેની પણ કટુ ટિપ્પણીઓ કરવામાં આવી છે. 
આયર્લેન્ડના લોકો સામાન્ય રીતે શાંતિપ્રિય અને આવકારદાયક માનવામાં આવે છે, પરંતુ આ પ્રકારના કિસ્સાઓએ ત્યાં રહેતા ભારતીય સમુદાયમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે.
ભારતીય દૂતાવાસ આ બાબતે સતર્ક બન્યું છે અને વિદ્યાર્થીઓને સાવચેતી રાખવા સલાહ આપી છે. વિદેશી ધરતી પર ભારતીયોની સુરક્ષા હંમેશા નરેન્દ્રભાઈ મોદી સરકારની પ્રાથમિકતા રહી છે. 
નિષ્ણાતો માને છે કે આર્થિક ભીંસ અને મોંઘવારીના કારણે સ્થાનિકોમાં અસંતોષ વધી રહ્યો છે, જેનો ભોગ વિદેશી વિદ્યાર્થીઓ બની રહ્યા છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે કે કેવી રીતે એક સામાન્ય ફોટો વંશીય હિંસા અથવા તિરસ્કારનું કારણ બની શકે છે

(10:57 PM IST)