News of Monday, 23rd February 2026
BPCL પર ટેક્સનો 'બોમ્બ': બજાર બંધ થતા જ સરકારી ઓઈલ કંપનીને ₹1,817 કરોડનો ઝટકો, 20 વર્ષ જૂના કેસમાં કોચી એક્સાઈઝ વિભાગની લાલ આંખ
વ્યાજ અને દંડ સાથેની તોતિંગ રકમ ચૂકવવા આદેશ; રિફાઇનરી ગેટના ભાવ મુદ્દે સર્જાયો વિવાદ, હવે CESTAT માં કાયદાકીય જંગ છેડશે ભારત પેટ્રોલિયમ

મુંબઈ : શેરબજારમાં વ્યવહાર બંધ થયાના ગણતરીના કલાકોમાં જ સરકારી તેલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) માટે માઠા સમાચાર આવ્યા છે. કોચી સ્થિત સેન્ટ્રલ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરની ઓફિસે કંપનીને આશરે ₹૧,૮૧૭ કરોડ ચૂકવવાનો આકરો ટેક્સ ઓર્ડર ફટકાર્યો છે. આ સમાચાર બહાર આવતા જ આવતીકાલે બજાર ખુલતા સમયે BPCL ના શેરના ભાવ પર તેની નકારાત્મક અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
આ વિવાદ આજકાલનો નહીં પણ સપ્ટેમ્બર ૨૦૦૪ થી મે ૨૦૧૦ સુધીના સમયગાળાનો છે. મુખ્ય વિવાદ કોચી રિફાઇનરીઝ લિમિટેડ (KRL) ના BPCL સાથેના મર્જર પહેલાના સમયગાળા સાથે જોડાયેલો છે. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, BPCL અને KRL એકબીજા સાથે જોડાયેલા પક્ષો હતા, તેથી એક્સાઇઝ ટેક્સની ગણતરી માટે તેમણે દર્શાવેલ 'રિફાઇનરી ગેટ ભાવ' સ્વીકારી શકાય તેમ નથી. વિભાગે સેન્ટ્રલ એક્સાઇઝ મૂલ્યાંકન નિયમો હેઠળ નવેસરથી ટેક્સની ગણતરી કરીને આ માંગણી કરી છે.
આ ટેક્સ ઓર્ડરની સૌથી આશ્ચર્યજનક બાબત તેની ગણતરી છે. કુલ ₹૧,૮૧૬.૬૫ કરોડની રકમમાં મૂળ ડ્યુટી માત્ર ₹૪૭૬.૯૪ કરોડ છે, જ્યારે તેના પર લાગેલું વ્યાજ અધધ ₹૧,૩૩૯.૭૦ કરોડ સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત વિભાગે ₹૯૫,૦૦૦ નો દંડ પણ ફટકાર્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી ૧૯ શો-કોઝ નોટિસોના નિકાલ રૂપે આ આદેશ ૨૧ ફેબ્રુઆરીએ પસાર કરવામાં આવ્યો હતો, જેની જાણ કંપનીએ આજે સેબી (SEBI) ને કરી છે.
BPCL ટેક્સ ઓર્ડરની મુખ્ય વિગતો:
કુલ માંગણી: ₹૧,૮૧૬.૬૫ કરોડ.
સમયગાળો: ૨૦૦૪ થી ૨૦૧૦ (૨૦ વર્ષ જૂનો કેસ).
મુખ્ય મુદ્દો: KRL અને BPCL વચ્ચેના ટ્રાન્ઝેક્શન વેલ્યુનું મૂલ્યાંકન.
કંપનીનું વલણ: ઓર્ડરનું વિશ્લેષણ કરીને કાયદાકીય લડત આપવાની તૈયારી.
BPCL એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ઓર્ડરથી સહમત નથી અને પોતાના નાણાકીય હિતોના રક્ષણ માટે કસ્ટમ્સ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ અપીલ ટ્રિબ્યુનલ (CESTAT) માં આ આદેશને પડકારશે. રોકાણકારો હવે એ જોવાની રાહ જોઈ રહ્યા છે કે આ મસમોટી રકમની જોગવાઈ કંપનીના ત્રિમાસિક પરિણામો પર કેટલી અસર પાડશે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
