<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

સિંગાપોરના દરબારમાં ‘બુલડોઝર બાબા’નો દબદબો: પીએમ લોરેન્સ વોંગે યોગી આદિત્યનાથનું કર્યું ભવ્ય સ્વાગત!

યુપી હવે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટનું નવું સરનામું : સિંગાપોરના વડાપ્રધાને યોગીને ગણાવ્યા ભારતના સૌથી ઝડપથી વિકસતા પ્રદેશના સારથિ: લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીમાં અબજોના રોકાણ માટે બ્લુપ્રિન્ટ તૈયાર

લખનૌ : ઉત્તર પ્રદેશને 'ઉત્તમ પ્રદેશ' બનાવવાનું લક્ષ્ય લઈને નીકળેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સિંગાપોર મુલાકાતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે. સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગે પ્રોટોકોલ તોડીને યોગી આદિત્યનાથનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુલાકાત બાદ વડાપ્રધાન વોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યોગી સાથેની તસવીર શેર કરતા ભારતની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા એવા ઉત્તર પ્રદેશના વિકાસના ભારોભાર વખાણ કર્યા હતા. આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી મર્યાદિત ન રહેતા, યુપીમાં સિંગાપોરની કંપનીઓ દ્વારા મોટા પાયે રોકાણ કરવાની મજબૂત કડી સાબિત થઈ રહી છે.

સિંગાપોરના વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે તેમની ઘણી કંપનીઓ અત્યારે ઉત્તર પ્રદેશના બદલાયેલા વાતાવરણથી પ્રભાવિત છે અને ખાસ કરીને લોજિસ્ટિક્સ, કનેક્ટિવિટી અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મૂડીરોકાણ કરવા આતુર છે. યોગી આદિત્યનાથે પણ સિંગાપોરના રોકાણકારોને યુપીમાં સુરક્ષિત અને અનુકૂળ વ્યવસાયિક વાતાવરણની ખાતરી આપી હતી. બંને નેતાઓ વચ્ચેની આ ચર્ચાથી આગામી સમયમાં નોઈડાથી લઈને વારાણસી સુધી સિંગાપોરના સહયોગથી અનેક મેગા પ્રોજેક્ટ્સ સાકાર થવાની શક્યતા છે, જે યુપીના યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખોલશે.

આ મુલાકાતને રાજકીય વિશ્લેષકો યોગી આદિત્યનાથના ‘ગ્લોબલ બ્રાન્ડિંગ’ તરીકે જોઈ રહ્યા છે. લોરેન્સ વોંગે જે રીતે યોગીને સફળ મુલાકાતની શુભેચ્છાઓ પાઠવી અને યુપીને ભારતના પ્રગતિનું એન્જિન ગણાવ્યું, તે સાબિત કરે છે કે હવે વિદેશી રાષ્ટ્રો પણ યુપીના આર્થિક મોડલને ગંભીરતાથી લઈ રહ્યા છે. આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની આ કવાયતથી માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર ભારતની વૈશ્વિક આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. યોગીની આ સિંગાપોર યાત્રા યુપીને ૧ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે.

(10:41 PM IST)