<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ભારત-ગયાના મૈત્રીમાં નવો અધ્યાય: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને મળ્યા ડૉ. ભરત જગદેવ; ગયાનામાં પણ હવે ગુંજશે 'UPI'નો ડંકો!

નવી દિલ્હીમાં બંને નેતાઓ વચ્ચે યોજાઈ હાઈ-પ્રોફાઈલ બેઠક; ડિજિટલ પેમેન્ટથી લઈને સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રે સાથે મળીને કામ કરવા પર અપાયો ભાર

નવી દિલ્હી : ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિ અને ડિજિટલ ક્રાંતિથી હવે દક્ષિણ અમેરિકાનો દેશ ગયાના (Guyana) પણ પ્રભાવિત થયો છે. ગયાનાના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવે આજે નવી દિલ્હીમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક માત્ર ઔપચારિક નહોતી, પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જનારી સાબિત થઈ છે.
ભારતીય UPI મોડેલ હવે ગયાનામાં મચાવશે ધૂમ
આ મુલાકાતનો સૌથી મહત્વનો મુદ્દો ભારતની ડિજિટલ પ્રગતિ રહ્યો હતો. ડૉ. ભરત જગદેવે ભારતના UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) અને ડિજિટલ ગવર્નન્સના મોડેલના મુક્તકંઠે વખાણ કર્યા હતા. તેમણે ગયાનામાં પણ ભારતના જેવું જ ડિજિટલ પેમેન્ટ મોડેલ અને નાણાકીય સમાવેશીકરણની વ્યવસ્થા વિસ્તારવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી હતી. જો આ યોજના આગળ વધશે, તો ગયાનામાં પણ ડિજિટલ વ્યવહારો ભારતીય ટેકનોલોજીને આભારી હશે.
સંરક્ષણથી લઈને બ્લુ ઇકોનોમી સુધીની ચર્ચાઓ
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને સોશિયલ મીડિયા પર આ મુલાકાત વિશેની વિગતો શેર કરતા જણાવ્યું કે, બંને દેશો વચ્ચે કૃષિ સંશોધન, આરોગ્યસંભાળ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે સહયોગ વધારવા પર સહમતી સધાઈ છે. આ ઉપરાંત ગયાનાના પ્રતિનિધિમંડળે ભારતના 'ઇ-માઇગ્રેટ' પ્લેટફોર્મ અને 'ITEC' (ભારતીય તકનીકી અને આર્થિક સહકાર) કાર્યક્રમમાં વિશેષ રસ દાખવ્યો હતો.
મુલાકાતના મુખ્ય આકર્ષણો અને ક્ષેત્રો:
•    ડિજિટલ ક્રાંતિ: ગયાનામાં UPI અને નાણાકીય ટેકનોલોજીનો વિસ્તાર.
•    સંરક્ષણ અને અવકાશ: ડિફેન્સ, એજ્યુકેશન અને સ્પેસ સેક્ટરમાં નવી ભાગીદારી.
•    બ્લુ ઇકોનોમી: દરિયાઈ સંસાધનો અને જૈવવિવિધતાના જતન માટે સહકાર.
•    આબોહવા પરિવર્તન: ક્લાઇમેટ એક્શન અને ઊર્જા ક્ષેત્રે સંયુક્ત પ્રયાસો.
મજબૂત લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી
આ મુલાકાત દરમિયાન માત્ર ટેકનોલોજી જ નહીં, પણ બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક્સને મજબૂત બનાવવા પર પણ મંથન કરવામાં આવ્યું હતું. ગયાના માટે ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે, જે તેને શિક્ષણથી લઈને આઈટી ક્ષેત્રે નવી દિશા આપશે.

(10:14 PM IST)