<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

શંકરાચાર્ય પૂજ્ય અવિમુક્તેશ્વરાનંદને બદનામ કરવાનું મોટું ષડયંત્ર: 'દીકરી પાસે ખોટા આરોપ લગડાવો, પૈસા આપીશું' તેવી લાલચ આપનાર શખ્સ ઝડપાયો

એક શખ્સ પોતાની નાની દીકરી સાથે મઠમાં પહોંચ્યો હતો અને શંકરાચાર્ય પૂજ્ય અવિમુક્તેશ્વરાનંદના ચરણોમાં પડીને રડવા લાગ્યો

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા બદનામ કરવાનું એક સનસનીખેજ ષડયંત્ર સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત શ્રી વિદ્યા મઠમાં એક વ્યક્તિએ શંકરાચાર્જ સમક્ષ હાજર થઈને આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે તેને શંકરાચાર્ય વિરુદ્ધ ગંભીર અને ખોટા આરોપો લગાવવા માટે મોટી રકમની લાલચ આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર, એક શખ્સ પોતાની નાની દીકરી સાથે મઠમાં પહોંચ્યો હતો અને શંકરાચાર્ય પૂજ્ય અવિમુક્તેશ્વરાનંદના ચરણોમાં પડીને રડવા લાગ્યો હતો. તેણે જણાવ્યું કે કેટલાક અજ્ઞાત લોકોએ તેનો સંપર્ક કર્યો હતો અને તેને લાલચ આપી હતી કે જો તે પોતાની માસૂમ દીકરી પાસે પૂજ્ય શંકરાચાર્ય પર યૌન શોષણ જેવા ગંભીર અને ખોટા આરોપો લગાવડાવશે, તો તેને બદલામાં લાખો રૂપિયા આપવામાં આવશે. આ શખ્સે ખુલાસો કર્યો કે તેને પૂર્વ આયોજિત પટકથા મુજબ વીડિયો રેકોર્ડિંગ કરવા અને મીડિયા સમક્ષ ખોટી જુબાની આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ સમગ્ર મામલે ગંભીરતા દાખવી છે. તેમણે કહ્યું કે આ માત્ર વ્યક્તિગત હુમલો નથી, પરંતુ સનાતન ધર્મની સર્વોચ્ચ ગાદીને લાંછન લગાડવાનો પ્રયાસ છે. તેમણે આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે જેથી આ ષડયંત્ર પાછળના અસલી ચહેરાઓ સામે આવી શકે. મઠના પ્રતિનિધિઓએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર 'પત્રિકા ન્યૂઝ' સહિતના વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ સમાચાર વાયુવેગે પ્રસારિત થયા છે. ભક્તો અને સાધુ-સંતોએ આ કૃત્યની આકરી નિંદા કરી છે. આ પૂર્વે પણ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પોતાના સ્પષ્ટ વિચારો અને ધાર્મિક નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે, ત્યારે તેમને ફસાવવા માટે આ પ્રકારે ગંદી રાજનીતિ કે અંગત અદાવતનો સહારો લેવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં વારાણસી પોલીસ આ મામલે પુરાવાઓ એકત્ર કરી રહી છે અને લાલચ આપનાર લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

(10:55 PM IST)