News of Tuesday, 24th February 2026
મેરઠના મકાનમાં ભીષણ આગ લાગતા ૫ માસૂમ બાળક સહિત ૬ લોકોના કરૂણ મોત
અચાનક ફાટી નીકળેલી આગની જ્વાળાઓએ જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું : આ મરણતોલ તાંડવે એક આખા પરિવારની ખુશીઓ મિનિટોમાં ખાખ કરી દીધીઃ સાંકડી ગલીઓ અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે શું બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો?

મેરઠ તા.૨૪: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કિદવાઈ નગર માં એક ઘરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ માસૂમ બાળકો સહિત કુલ છ લોકો જીવતા ભૂંજાયા છે,. જ્યારે એક મહિલાની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, આ મકાનના ગ્રાઉન્ડ ફલોર પર કપડાનો ગોદામ હતો, જ્યારે ઉપરના માળે પરિવાર વસવાટ કરતો હતો. સોમવારે મોડી સાંજે જ્યારે ઘરનો મોભી ઇકબાલ તેના ભાઈ સાથે નમાજ પઢવા ગયો હતો, ત્યારે અચાનક આગ લાગી હતી. તે સમયે ઘરમાં બે મહિલાઓ અને પાંચ બાળકો ફસાયા હતા. સાંકડી ગલીઓ હોવાને કારણે ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી.
સ્થાનિક લોકોએ આગની જ્વાળાઓ જોતા જ પોલીસ (Police) ને જાણ કરી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તમામ ઘાયલોને તાત્કાલિક મેરઠ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ૬ લોકોના મોત થયા હતા. હાલમાં પોલીસ અને એફએસએલની ટીમ આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવા માટે તપાસ કરી રહી છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
