<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

ગૃહિણીએ પરિવાર માટે આપેલા યોગદાનને ભૂલી શકાય નહીં: સુપ્રીમ

નોકરી કે કરિયરને મહત્ત્વ આપવાના બદલે ઘર-પરિવારની સંભાળ લેનારી ગૃહિણીને નકામી કે બેકાર સમજવાની માનસિકતાને ખોટી ઠેરવતા સુપ્રીમ કોર્ટે નોંધ્‍યુ હતું કે, મેન્‍ટેનન્‍સ નક્કી કરતી વખતે ગૃહિણીએ પરિવાર માટે આપેલા યોગદાનને ભૂલી શકાય નહીં : અર્થોપાર્જન ન કરતી પત્‍નીને નકામી કે બિન-ઉપયોગી ગણવાની માનસિકતાને ભૂલભરેલી ગણાવતાં સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે, બેરોજગારીને બેકારમાં ખપાવી દેવાનું ખૂબ સહેલું છે, પરંતુ ઘર-પરિવાર ચલાવવા માટે કરેલા પરિશ્રમને સમજવાનું ઘણું અઘરું છે

નવી દિલ્‍હી તા.૨૪: નોકરી કે કરિયરને મહત્ત્વ આપવાના બદલે ઘર-પરિવારની સંભાળ લેનારી ગૃહિણીને નકામી કે બેકાર સમજવાની માનસિકતાને ખોટી ઠેરવતા સુપ્રીમ કોર્ટે નોંધ્‍યુ હતું કે, મેન્‍ટેનન્‍સ નક્કી કરતી વખતે ગૃહિણીએ પરિવાર માટે આપેલા યોગદાનને ભૂલી શકાય નહીં. ગૃહિણીના પરિશ્રમ થકી જ અસરકારક અર્થોપાર્જનમાં પુરુષ સક્ષમ બને છે. તેથી મેન્‍ટેનન્‍સ નક્કી કરતી વખતે તેણે આપેલા યોગદાનની અવગણના કરી શકાય નહીં. 

અર્થોપાર્જન ન કરતી પત્‍નીને નકામી કે બિન-ઉપયોગી ગણવાની માનસિકતાને ભૂલભરેલી ગણાવતાં સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે, બેરોજગારીને બેકારમાં ખપાવી દેવાનું ખૂબ સહેલું છે, પરંતુ ઘર-પરિવાર ચલાવવા માટે કરેલા પરિશ્રમને સમજવાનું ઘણું અઘરું છે. સુપ્રીમ કોર્ટે ૧૬ ફેબ્રુઆરીના રોજ આપેલા ચુકાદામાં ઠરાવ્‍યુ હતું કે, ગૃહિણી ઘરમાં નવરી નથી હોતી. તેની મહેનતના કારણે જ પતિ અસરકારક કામ કરી શકે છે અને આવક રળી શકે છે. મેન્‍ટેનન્‍સના દાવામાં ગૃહિણીના આ યોગદાનની કદર નહીં કરવાનો નિર્ણય અન્‍યાયી અને અવાસ્‍તવિક છે. 

બેરોજગાર કે ગૃહિણી તરીકે કાર્ય કરતી મહિલા ઈરાદાપૂર્વક પતિ પર નિર્ભર રહી હોવાના કે બેકાર હોવાના અભિપ્રાય સાથે અસંમતિ દર્શાવતા સુપ્રીમ કોર્ટે નોંધ્‍યુ હતું કે, લગ્નજીવનના વિખવાદોને કાનૂની કાર્યવાહીમં ગૂંચવવાના બદલે મીડિયએશન દ્વારા ઉકેલવાનું વધારે હિતાવહ છે. ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એક્‍ટ હેઠળ તરછોડી દેવાયેલી મહિલાને મેન્‍ટેનન્‍સ આપવાના કેસમાં અગાઉ મેજિસ્‍ટેરિયલ કોર્ટે મહિલાને ઈન્‍ટરિમ મેન્‍ટેનન્‍સ આપવા ઈનકાર કર્યો હતો. જેમાં કોર્ટે ઠરાવ્‍યુ હતું કે, મહિલા શિક્ષિત અને સ્‍વસ્‍થ હોવા છતાં રોજગાર લેવાનું પસંદ કર્યું નથી. 

ઉક્‍ત કેસમાં ૨૦૧૨ના વર્ષમાં લગ્ન થયા હતા અને વર્ષ ૨૦૨૦માં પતિએ સગીર સંતાન તથા પત્‍નીને તરછોડી દીધા હતા. હાઈકોર્ટ સમક્ષ પતિએ રજૂઆત કરી હતી કે, રોજગારી માટે સક્ષમ હોવા છતાં પત્‍ની બેકાર બેસી રહે અને મેન્‍ટેનન્‍સ માગે તે યોગ્‍ય નથી. સગીર બાળકના શિક્ષણ સહિતના ખર્ચ પોતે ભોગવી રહ્યો છે ત્‍યારે મહિલાને મેન્‍ટેન્‍સ મળવું જોઈએ નહીં. કોર્ટે ઠરાવ્‍યુ હતું કે, વાસ્‍તવિક આવક અને આવકની ક્ષમતા બંને અલગ વસ્‍તુ છે અને આવક માટે સક્ષમ હોવાના કારણોસર મેન્‍ટેનન્‍સથી વંચિત રાખી શકાય નહીં.

ભારતીય સમાજની લ્લષ્ટિએ લગ્ન બાદ મહિલા નોકરી-વ્‍યવસાય છોડીને ઘર પર જ ધ્‍યાન આપે તેવી અપેક્ષા હજુ રખાય છે. જ્‍યારે મેન્‍ટેનન્‍સના વિવાદમાં મહિલાની બેરોજગારીના આ જ કારણને દર્શાવીને પતિ રાહત શોધે છે. પત્‍ની શિક્ષિત હોવા છતાં ઈરાદાપૂર્વક બેરોજગાર રહી હોવાનો દાવો કરીને પતિ છટકી શકે નહીં. આ પ્રકારના વલણને પ્રોત્‍સાહન આપવાના બદલે કોર્ટે મહિલા તરફથી અપાયેલા પરિશ્રમ અને યોગદાનને ધ્‍યાને લેવા જોઈએ. ઘર-પરિવાર બનાવવા વર્ષોનો પરિશ્રમ વેઠનારી મહિલાને આર્થિક રીતે પરાવલંબી બનાવી શકાય નહીં.

(10:04 AM IST)