News of Tuesday, 24th February 2026
RSS હિન્દુત્વની રાજનીતિ નથી કરતું, રાષ્ટ્રનિર્માણમાં માને છેઃ મોહન ભાગવત
લોકોને સંઘની પ્રવૃત્તિઓમાં જોડાઈને સમાજ-રાષ્ટ્રને સશક્ત બનાવવા ભાગવતનું આહ્વાન

દેહરાદૂન તા.૨૪: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના વડા મોહન ભાગવતે સંઘ અને હિન્દુત્વને અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, સંઘ હિન્દુત્વની રાજનીતિ નથી કરતું, પરંતુ વ્યક્તિગત વિકાસ દ્વારા મજબૂત સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં વિશ્વાસ રાખે છે.
રવિવારે સંઘના ૧૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મોહન ભાગવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘‘સંઘનો ઉદ્દેશ્ય વ્યક્તિગત વિકાસ છે કારણ કે માત્ર મજબૂત વ્યક્તિઓ જ મજબૂત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.'' તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાસ્તવિકતા બહારથી સમજી શકાતી નથી. ‘સંઘ યાત્રા - નવા ક્ષિતિજો, નવા પરિમાણો' વિષય પર બોલતા તેમણે કહ્યું કે, કેટલાક લોકો ભૂલથી સંઘને અર્ધલશ્કરી સંગઠન માને છે, તો કેટલાક તેને સેવા ક્ષેત્રની સંસ્થા સમજે છે, પરંતુ આરએસએસ આ સીમાઓની બહાર કામ કરતી એક સામાજિક શક્તિ છે.
ભાગવતે સભાને સંબોધતા એમ પણ કહ્યું કે, વિશ્વ હવે ભારતને ફરી એકવાર નેતૃત્વની ભૂમિકામાં જોવા ઈચ્છે છે. તેમણે લોકોને સંઘની પ્રવૃત્તિઓમાં જોડાઈને સમાજ અને રાષ્ટ્રને સશક્ત બનાવવા આહવાન કર્યું હતું. જેઓ એકજૂથ થવા માટે કામ કરે છે તે જ હિન્દુ છે તેમ જણાવતા તેમણે કહ્યું કે, માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ અનિવાર્ય છે. વિશ્વ સત્ય કરતાં શક્તિને વધુ સમજે છે; તેથી શક્તિ પ્રાપ્ત કરવી આવશ્યક છે, પરંતુ તેનો ઉપયોગ સંયમિત હોવો જોઈએ. મહિલાઓની ભૂમિકા અંગે ભાગવતે જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને સરકારમાં તેમની ભાગીદારી ૩૩ ટકા સુધી સીમિત ન રહેતા ૫૦ ટકા હોવી જોઈએ. તેમણે ઉત્તરાખંડની નદીઓ અને પર્યાવરણના સંરક્ષણ માટે સંકલિત નીતિ અને સ્થાનિક ભાગીદારીની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
