<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

ગરમી-ઠંડી બાદ હવે માવઠું: ખેડૂતો માટે પડતા પર પાટું : કેરી- શાકભાજીના પાક પર જોખમ

ગ્‍લોબલ વોમિઁગ અને બદલાતા હવામાનની સીધી અસર હવે ખેતી પર જોવા મળી રહી છે. છેલ્‍લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી, કાતિલ ઠંડી અને ત્‍યારબાદ આવેલા કમોસમી વરસાદે કેરી અને શિયાળુ શાકભાજીના પાકને મોટું જોખમ ઊભું કર્યું દક્ષિણ ગુજરાતના મુખ્‍ય પાકો, ખાસ કરીને આંબા જેવા પાકોમાં આ માવઠાને લીધે આપણને માઠી અસર જોવા મળી શકે છે

છોટાઉદેપુર તા.૨૪: છેલ્‍લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ વહેલી સવારે પડેલા માવઠાંએ ખેડૂતોની ચિતા વધારી દીધી છે. ખાસ કરીને છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામમાં કેસર અને લંગડો કેરીની આંબાવાડી કરતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્‍યો છે. મોર ખરવાથી આવનારી સીઝનમાં ઉત્‍પાદન પર સીધી અસર પડશે તેવી ભીતિ વ્‍યક્‍ત થઈ રહી છે. સાથોસાથ મકાઈ અને તુવર જેવા પાક પર પણ હવામાનની અસર થવાની આશંકા વચ્‍ચે ખેડૂતો ફરી એકવાર આર્થિક સંકટમાં સપડાયા છે.

છેલ્‍લા એક દાયકાથી ગ્‍લોબલ વોર્મિગના કારણે વાતાવરણમાં આવેલા મોટા ફેરફારોની સીધી અસર હવે દક્ષિણ ગુજરાતની ખેતી પર જોવા મળી રહી છે. નવસારી જિલ્‍લામાં છેલ્‍લા બે મહિનાથી અનુભવાઈ રહેલા અસહ્ય તાપમાન અને કાતિલ ઠંડીના મિશ્ર વાતાવરણ વચ્‍ચે હવે કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ખાસ કરીને જિલ્‍લાના મુખ્‍ય ફળ પાક ગણાતી કેરી અને શિયાળુ શાકભાજી પર જોખમ તોળાઈ રહ્યું છે.

નવસારી જિલ્‍લા ખેડૂત સમાજના પ્રમુખ પિનાકીનભાઈના જણાવ્‍યા અનુસાર, હાલમાં કેરીના ઝાડ પર રાય કે મગના દાણા જેવડી નાની કેરીઓ બેસવાની શરૂઆત થઈ ગઈ છે. આવા નાજુક સમયે છેલ્‍લા ત્રણ દિવસથી બગડેલા વાતાવરણ અને વરસાદી ઝાપટાંને કારણે આ પાક નષ્ટ થવાની પૂરેપૂરી શક્‍યતા છે. વિપરીત હવામાનને કારણે કેરીના ફલીનીકરણમાં અવરોધ ઊભો થયો છે, જે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે ચિતાનો વિષય છે. ચાલુ વર્ષે કેરીની સીઝન મોંઘી અને ઓછી ઉપજવાળી રહે તેવા સંકેતો મળી રહ્યા છે.

માત્ર ફળ પાક જ નહીં, પરંતુ શિયાળુ શાકભાજીને પણ કુદરતી આફતનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને કારણે શાકભાજીના ફૂલો ખરી પડવાની (ફૂલ ખરણ) સમસ્‍યા સર્જાઈ છે, જેનાથી સીધી અસર આવક પર પડશે. ખેડૂતોએ પાક બચાવવા માટે વારંવાર ફૂગનાશક દવાઓ અને મોંઘી પેસ્‍ટીસાઈડ્‍સનો છંટકાવ કરવો પડી રહ્યો છે, જેનાથી ખેતીનો નિભાવ ખર્ચ અનેકગણો વધી ગયો છે.

વૈશ્વિક સ્‍તરે બદલાતા ક્‍લાઈમેટ ચેન્‍જની અસરો વિશે વાત કરતા ખેડૂત અગ્રણીએ જણાવ્‍યું કે, ચોમાસા બાદનું અનિヘતિ વાતાવરણ ખેતી માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. એક તરફ ઉત્‍પાદન ઘટી રહ્યું છે અને બીજી તરફ ખર્ચ વધી રહ્યો છે. જો આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે, તો જિલ્‍લાનો કૃષિ વ્‍યવસાય આર્થિક સંકટમાં મુકાઈ શકે છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીના KVK ના વૈજ્ઞાનિક કે.એ. શાહ જણાવે છે કે છેલ્‍લા ૨ દિવસથી આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્‍યો છે. મધ્‍ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થયો છે, જ્‍યારે ગઈકાલે સુરત અને દક્ષિણ ગુજરાતમાં અમુક અમુક જગ્‍યાએ માવઠું જોવા મળ્‍યું છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આ સંજોગોમાં આપણા દક્ષિણ ગુજરાતના મુખ્‍ય પાકો, ખાસ કરીને આંબા જેવા પાકોમાં આ માવઠાને લીધે આપણને માઠી અસર જોવા મળી શકે છે.

આંબાની વાત કરીએ તો અત્‍યારે ઘણી જગ્‍યાએ ફૂલ આવી ગયા છે અથવા તો નાની નાની કણી બેસી ગઈ છે. એવા સંજોગોમાં આ ફૂલ કાળા પડવાની અથવા તો એમાં ઈયળ લાગવાની શક્‍યતા રહેલી છે, સાથે સાથે એમાં કાલવર્ણ જેવો રોગ લાગવાની પણ શક્‍યતા રહેલી છે. આ માવઠાને લીધે જોવા જઈએ તો એમાં ભૂકી છારાનો રોગ પણ આવવાની શક્‍યતાઓ રહેલી છે. તો એવા સંજોગોમાં આ આંબો જ્‍યારે આ દક્ષિણ ગુજરાતનો મુખ્‍ય પાક હોય, તો એમાં આવતા આવા રોગ અને જીવાતના નિયંત્રણ માટે યુનિવર્સિટી દ્વારા જે કંઈ પણ ભલામણ કરવામાં આવેલી છે તેવી શોષક પ્રકારની દવાઓ અથવા તો જે કંઈ ફૂગ આવે તો એના માટે ભલામણ કરવામાં આવેલી ફૂગનાશક દવાનો છંટકાવ કરવો ખેડૂતો માટે હિતાવહ છે.

દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા વિસ્‍તારમાં શાકભાજીના પાકોનું પણ વાવેતર કરવામાં આવે છે. તો આ શાકભાજીના પાકોમાં જોવા જઈએ તો રીંગણ છે, મરચી છે, ટામેટી છે અને અન્‍ય વેલાવાળા શાકભાજી જેવા પાકો છે. તો આ પાકોમાં ખાસ ચુસિયા પ્રકારની જીવાતો અથવા તો આવા જે શાકભાજી પાકોમાં ફળ લાગેલા હોય તો એમાં ફળ અથવા તો ડૂંખ કોરી ખાનારી ઈયળોનો પણ ઉપદ્રવ વધવાની શક્‍યતા રહેલી છે. તો એવા સંજોગોમાં આ જીવાતોના નિયંત્રણ માટે જે કંઈ પણ યુનિવર્સિટી દ્વારા સમયાંતરે ભલામણ કરવામાં આવેલી છે એવી શોષક પ્રકારની દવાઓનો છંટકાવ કરવો. સાથે સાથે ખેડૂત મિત્રો, તો આપ નજીકના કોઈ કૃષિ સંશોધન કેન્‍દ્રો અથવા યુનિવર્સિટી અથવા કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રોની પાસેથી માહિતી મેળવી શકો છો.

(3:40 PM IST)