<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

શું કેરળનું નામ બદલીને ‘કેરળમ' કરવામાં આવશે? પીએમ મોદી કેબિનેટની બેઠકમાં લીલીઝંડી આપશે

‘સેવા તીર્થ' ખાતે આયોજિત પ્રથમ કેબિનેટમાં સાંસ્‍કૃતિક ઓળખનો મોટો નિર્ણય લેવાય તેવી શક્‍યતા મલયાલમ ભાષાના ગૌરવ અને દાયકાઓ જૂની માંગને સંતોષવા માટે કેન્‍દ્ર સરકાર તૈયાર

નવી દિલ્‍હી : ભારતના નકશા પર એક નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. પીએમ કાર્યાલયના નવા સરનામા 'સેવા તીર્થ' ખાતે આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની અધ્‍યક્ષતામાં યોજાનારી પ્રથમ કેબિનેટ બેઠક પર આખા દેશની નજર છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ બેઠકમાં દક્ષિણ ભારતના રાજ્‍ય 'કેરળ'નું નામ બદલીને સત્તાવાર રીતે 'કેરળમ' કરવાના પ્રસ્‍તાવને લીલીઝંડી મળી શકે છે. આ માત્ર નામનું પરિવર્તન નથી, પરંતુ રાજ્‍યની મલયાલમ ઓળખ અને તેની ભાષાકીય પરંપરાને રાષ્ટ્રીય સ્‍તરે સન્‍માન આપવાનો એક મોટો સાંસ્‍કૃતિક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

આ પરિવર્તનની પૃષ્‍ઠભૂમિમાં કેરળ ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરનો પીએમ મોદીને લખાયેલો પત્ર મુખ્‍ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે 'કેરળમ' શબ્‍દ રાજ્‍યની મૂળ મલયાલમ સંસ્‍કૃતિ સાથે જોડાયેલો છે અને ભાજપ હંમેશા તેને આ સમૃદ્ધ પરંપરાના પ્રતીક તરીકે જુએ છે. નોંધનીય છે કે જૂન ૨૦૨૪માં કેરળ વિધાનસભાએ પણ પક્ષપાત ભૂલીને સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં રાજ્‍યનું નામ ‘કેરળમ' કરવાની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને એકસાથે હોવાથી કેન્‍દ્ર સરકાર માટે આ નિર્ણય લેવો વધુ સરળ બન્‍યો છે.

જો આજે કેબિનેટમાં આ પ્રસ્‍તાવ પસાર થાય છે, તો તે સહકારી સંઘવાદનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થશે. 'કેરળ' શબ્‍દ બ્રિટિશ શાસન અને સંસ્‍થાનવાદી માનસિકતાનો અંશ હોવાનું ઘણા માને છે, જ્‍યારે ‘કેરળમ' એ ભૂમિની પોતાની માતૃભાષાનો ઉચ્‍ચાર છે. નામ બદલવાની આ પ્રક્રિયા બાદ સંસદમાં બંધારણીય સુધારો લાવવો પડશે. મુખ્‍યમંત્રી પિનરાઈ વિજયન અને કેન્‍દ્ર સરકાર વચ્‍ચે સામાન્‍ય રીતે અનેક મુદ્દે ખેંચતાણ રહેતી હોય છે, પરંતુ રાજ્‍યની ઓળખના આ મામલે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર એક જ પાટા પર જોવા મળી રહી છે, જે ભારતીય રાજનીતિમાં એક દુર્લભ પણ આવકારદાયક દ્રશ્‍ય છે

(3:43 PM IST)