<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

શેરબજારમાં જોરદાર ભૂકંપ: સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો, રોકાણકારોના ₹2.94 લાખ કરોડ સાફ! જાણો બજાર ધબડકા પાછળના 5 મુખ્ય વિલન

IT અને ઓટો સેક્ટરમાં ગાબડાં પડતા દલાલ સ્ટ્રીટમાં ફફડાટ: ટ્રમ્પની ટેરિફ ધમકી અને AI ના વધતા પ્રભાવે માર્કેટમાં મચાવ્યો હાહાકાર.

મુંબઈ, તા. 24: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ ભારે સાબિત થયો છે. સપ્તાહના બીજા જ દિવસે બજારમાં આવેલી જોરદાર વેચવાલીએ રોકાણકારોની ઉંઘ ઉડાડી દીધી છે. આઈટી (IT) અને ઓટો સેક્ટરના શેરોમાં આવેલા ધરખમ ઘટાડાને કારણે BSE સેન્સેક્સ અને નિફ્ટી બંને પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1,068.74 પોઈન્ટ ઘટીને 82,225.92 ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 288.35 પોઈન્ટ ના કડાકા સાથે 25,424.65 પર સ્થિર થયો હતો.
બજારમાં મચેલી આ ચીસાચીસ વચ્ચે રોકાણકારોની સંપત્તિમાં આશરે ₹2.94 લાખ કરોડનો ધુમાડો થઈ ગયો છે. માર્કેટમાં આ કડાકા પાછળના પાંચ મુખ્ય કારણો નીચે મુજબ છે:
 
બજાર કેમ તૂટ્યું? આ રહ્યા 5 મુખ્ય કારણો:
1. IT શેરોમાં 'AI' નો ડર:
આઈટી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ TCS, ઈન્ફોસિસ અને HCL ટેક ના શેરોમાં આજે ધોવાણ થયું હતું. AI કંપની એન્થ્રોપિકના એક નિવેદને આઈટી રોકાણકારોમાં ચિંતા જગાવી છે. કંપનીએ દાવો કર્યો છે કે તેનું નવું ટૂલ જૂની સિસ્ટમ્સને આધુનિક બનાવવામાં સક્ષમ છે, જેના કારણે પરંપરાગત આઈટી સેવાઓની માંગ ઘટવાની આશંકાએ વેચવાલી વધી હતી.
2. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકી:
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણે વૈશ્વિક બજારોની સાથે ભારતને પણ હચમચાવી દીધું છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ 15% સુધીના વૈશ્વિક ટેરિફ લાદી શકે છે. આ નિવેદન બાદ વેપાર નીતિમાં અનિશ્ચિતતા વધતા રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરવાનું વધુ મુનાસિબ માન્યું હતું.
3. વૈશ્વિક બજારોમાં નબળાઈ:
માત્ર ભારત જ નહીં, પરંતુ એશિયા અને અમેરિકાના બજારોમાં પણ નબળાઈ જોવા મળી હતી. વોલ સ્ટ્રીટ પર Nasdaq અને S&P 500 ના ઘટાડાની નકારાત્મક અસર ભારતીય બજાર પર પણ જોવા મળી હતી.
4. એક્સપાયરીનું દબાણ:
નિફ્ટી ડેરિવેટિવ્ઝની સાપ્તાહિક એક્સપાયરીને કારણે બજારમાં ભારે અસ્થિરતા રહી હતી. વેપારીઓએ તેમની પોઝિશન સ્ક્વેર ઓફ (બંધ) કરવા માટે મોટાપાયે વેચાણ કરતા ઈન્ડેક્સમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
5. રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ:
ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડીને 90.95 ના સ્તરે પહોંચ્યો છે. નબળો રૂપિયો વિદેશી રોકાણકારો (FIIs) ને બજારમાંથી નાણાં ખેંચવા માટે મજબૂર કરે છે, જે બજાર માટે વધુ એક ફટકો સાબિત થયો છે.
આજના ઘટાડા બાદ હવે બજાર કયા લેવલે સ્થિર થશે તેના પર નિષ્ણાતોની નજર છે. રોકાણકારોને અત્યારે ઉતાવળમાં ખરીદી ન કરવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

(5:24 PM IST)