News of Tuesday, 24th February 2026
નેતન્યાહુનો માસ્ટર પ્લાન: ભારત સહિત 6 દેશોને જોડી બનાવશે 'હેક્સાગોન એલાયન્સ', કટ્ટરપંથી શક્તિઓ સામે પીએમ મોદી સાથે મળી રચશે નવો ચક્રવ્યૂહ!
ઇઝરાયેલના વડાપ્રધાને ભારત-ઇઝરાયેલ મિત્રતાને ગણાવી વિશ્વ માટે ગેમચેન્જર: ઈરાન અને પ્રાદેશિક જોખમો સામે રક્ષણ મેળવવા નેતન્યાહુએ રજૂ કર્યો છ દેશોના જોડાણનો ડ્રાફ્ટ.

જેરૂસલેમ, તા. 24: વિશ્વના રાજકારણમાં એક નવો વળાંક આવવા જઈ રહ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી ઇઝરાયેલની બે દિવસની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે, પરંતુ આ મુલાકાત પહેલાં જ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક એવા 'સ્વપ્ન'નો ઉલ્લેખ કર્યો છે જે મધ્ય પૂર્વ અને એશિયાની ભૂગોળ બદલી શકે છે. નેતન્યાહુએ ભારત સહિત છ દેશોને એકસાથે લાવીને 'હેક્સાગોન એલાયન્સ' (ષટ્કોણ જોડાણ) બનાવવાની જાહેરાત કરી છે.
શું છે આ 'હેક્સાગોન એલાયન્સ'?
નેતન્યાહુના મતે, આ જોડાણ કોઈ સામાન્ય જૂથ નથી પણ એક મજબૂત વ્યૂહાત્મક ધરી હશે. જેમાં ઇઝરાયેલ, ભારત, ગ્રીસ અને સાયપ્રસ મુખ્ય સ્તંભો હશે. આ સિવાય કેટલાક આરબ અને આફ્રિકન દેશોને પણ આ છાતીમાં સામેલ કરવામાં આવશે. આ જોડાણનો મુખ્ય હેતુ આર્થિક, રાજદ્વારી અને સુરક્ષાના મોરચે એકબીજાને સહકાર આપીને પ્રદેશમાં શાંતિ સ્થાપવાનો છે.
હેતુ: કટ્ટરપંથી શક્તિઓ પર લગામ
નેતન્યાહુએ કેબિનેટ બેઠકમાં સ્પષ્ટ કર્યું કે ભારત-ઇઝરાયેલના સંબંધો હવે માત્ર વેપાર પૂરતા મર્યાદિત નથી. પીએમ મોદીની મુલાકાત કટ્ટરપંથી 'શિયા અક્ષ' અને ઉભરતા 'કટ્ટરપંથી સુન્ની અક્ષ' સામે એક મજબૂત દીવાલ ઉભી કરવામાં મદદ કરશે. નેતન્યાહુ આ ષટ્કોણ જોડાણ દ્વારા ઈરાનના વધતા પ્રભાવ અને અન્ય પ્રાદેશિક જોખમોને સીધો પડકાર આપવા માંગે છે.
પીએમ મોદીની મુલાકાતનું મહત્વ
વડાપ્રધાન મોદી તેમની મુલાકાત દરમિયાન ઇઝરાયેલની સંસદ 'નેસેટ' (Knesset) ને પણ સંબોધિત કરવાના છે. નેતન્યાહુએ મોદીના આગમન અંગે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે, "સંબંધોનું માળખું હવે વધુ મજબૂત બન્યું છે અને પીએમ મોદી સાથે મળીને આપણે આ ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જઈશું."
સ્વપ્ન કે હકીકત? સામે છે મોટા પડકારો
જોકે, આ 'ષટ્કોણ જોડાણ' સાકાર કરવું એટલું સરળ નથી. આ જૂથના સૂચિત સભ્યો ગ્રીસ અને સાયપ્રસ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) ના સભ્યો છે, જેણે ગાઝા યુદ્ધ મુદ્દે નેતન્યાહુ સામે ધરપકડ વોરંટ જારી કરેલું છે. આવી સ્થિતિમાં, આ દેશો નેતન્યાહુના આ પ્રસ્તાવને કેવી રીતે સ્વીકારે છે અને ભારત આ જટિલ સમીકરણમાં કેવી ભૂમિકા ભજવે છે, તે જોવું રસપ્રદ રહેશે.
ઇઝરાયેલ પીએમ મોદીના સ્વાગત માટે આતુર છે અને આ મુલાકાત માત્ર ભારત-ઇઝરાયેલ જ નહીં પણ સમગ્ર 'હેક્સાગોન' દેશો માટે દિશા સૂચક બની શકે છે.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
