તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
ઈરાન પર અમેરિકી હુમલાના ભણકારા: લાખો ઈરાની નાગરિકોને અજાણ્યા નંબર પરથી 'અમેરિકી રાષ્ટ્રપતિ એક્શન મેન છે, થોભો અને રાહ જુઓ' ના ગંભીર ચેતવણી સંદેશ મળતા ફફડાટ
ટ્રમ્પની ૧૦ દિવસમાં 'ખરાબ પરિણામ' ભોગવવાની ધમકી બાદ તણાવ ચરમસીમાએ; લેબનોનમાંથી અમેરિકી રાજદ્વારીઓને પરત બોલાવાયા અને ઈરાનની યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શનો શરૂ થતા યુદ્ધ જેવી સ્થિતિ

તેહરાન:
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો હોય તેમ જણાય છે. સોમવારે ઈરાનના લાખો નાગરિકોને તેમના મોબાઈલ ફોન પર અજાણ્યા સ્ત્રોત તરફથી એક રહસ્યમય અને ડરામણો સંદેશ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, "અમેરિકી રાષ્ટ્રપતિ એક્શન મેન છે. બસ, હવે થોભો અને રાહ જુઓ." આ પ્રકારના મેસેજ મળતા જ ઈરાની મીડિયા અને સોશિયલ મીડિયા પર ગભરાટ ફેલાઈ ગયો છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી રહ્યા છે.
ટ્રમ્પની ૧૦ દિવસની ડેડલાઈન અને મિલિટરી એક્શનની તૈયારી
તાજેતરમાં જ એક બેઠક દરમિયાન ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ૧૦ દિવસમાં કોઈ 'અર્થપૂર્ણ સમજૂતી' નહીં થાય, તો પરિણામો ગંભીર આવશે. અહેવાલો મુજબ, અમેરિકા ઈરાન વિરુદ્ધ 'લિમિટેડ મિલિટરી સ્ટ્રાઈક' પર વિચાર કરી રહ્યું છે. જેમાં ઈરાની શાસનના મહત્વના નેતાઓને નિશાન બનાવવાથી લઈને વ્યાપક સૈન્ય અભિયાન સુધીના વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પૂર્વ વાઈસ એડમિરલ બોબ હારવર્ડે જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં અમેરિકાની સૈન્ય તાકાત એટલી છે કે જો આદેશ આપવામાં આવે તો ગણતરીના કલાકોમાં ઈરાનના પાવર સ્ટ્રક્ચરને તોડી શકાય છે.
લેબનોનમાંથી રાજદ્વારીઓની એક્ઝિટ
વધતા જતા તણાવને પગલે અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે લેબનોનમાં હાજર તેના બિન-જરૂરી રાજદ્વારીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક અસરથી દેશ છોડવા આદેશ આપ્યો છે. આ પગલાને સંભવિત હુમલા પહેલાની સુરક્ષા તકેદારી તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે, દૂતાવાસ હજુ કાર્યરત છે, પરંતુ કર્મચારીઓની સંખ્યામાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.
ઈરાનમાં આંતરિક અસંતોષ અને રશિયાની ભૂમિકા
એક તરફ યુદ્ધનું જોખમ છે, ત્યારે બીજી તરફ ઈરાનની અંદર પણ શાસન વિરોધી દેખાવો તેજ બન્યા છે. તેહરાનની પાંચ અને મશહાદની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શનો કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ દરમિયાન રશિયાએ ઈરાની આકાશની સુરક્ષા માટે તેની 'વેરબા' (Verba) સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજી સાથે મદદ કરવાની તૈયારી બતાવી છે, જે ઈરાનના આકાશને અમેરિકી હુમલા સામે રક્ષણ આપી શકે છે.
ડિપ્લોમેસીની છેલ્લી આશા
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ જણાવ્યું છે કે હજુ પણ રાજદ્વારી ઉકેલની તક છે અને તેહરાન કોઈ પણ પ્રકારના દબાણ સામે ઝૂકશે નહીં. નોંધનીય છે કે આગામી ગુરુવારે જિનીવા ખાતે બંને દેશો વચ્ચે વાતચીતનો નવો દોર શરૂ થવાનો છે, જે આ તણાવને ડામવા માટેનો છેલ્લો પ્રયાસ સાબિત થઈ શકે છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
