<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

એશિયામાં આર્થિક યુદ્ધના એંધાણ: તાઇવાન મુદ્દે જાપાનના નિવેદનથી ચીન લાલચોળ, 20 દિગ્ગજ જાપાની કંપનીઓ પર લાદ્યો પ્રતિબંધ!

ડ્રેગનનો જાપાન પર સીધો પ્રહાર: મિત્સુબિશી અને કાવાસાકી જેવી મોટી કંપનીઓ ચીનની 'બ્લેક લિસ્ટ'માં, 20 અન્ય કંપનીઓને 'વોચ લિસ્ટ'માં મૂકી ભીંસ વધારી.

બેઇજિંગ: દુનિયા અત્યારે અમેરિકાના ટેરિફ વોરની ચર્ચા કરી રહી છે, ત્યારે એશિયાના બે મોટા દેશો ચીન અને જાપાન વચ્ચે વેપાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. તાઇવાનના મુદ્દે જાપાનના વડાપ્રધાન સના તાકાઈચી દ્વારા કરવામાં આવેલા એક નિવેદનથી ચીન એટલું ઉશ્કેરાઈ ગયું છે કે તેણે જાપાનની અર્થવ્યવસ્થાની કમર તોડવા માટે 40 જેટલી મોટી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
ચીન હંમેશા તાઇવાનને પોતાનો હિસ્સો ગણાવતું આવ્યું છે. તાજેતરમાં જાપાનના વડાપ્રધાન સના તાકાઈચીએ તાઇવાનની સાર્વભૌમત્વ અને સુરક્ષાને લઈને કેટલીક ટિપ્પણીઓ કરી હતી. ચીને આને પોતાની 'આંતરિક બાબતોમાં દખલગીરી' ગણાવીને બદલાની કાર્યવાહી શરૂ કરી છે. ચીનનું માનવું છે કે જાપાન ફરીથી પોતાનું સૈન્ય મજબૂત કરી રહ્યું છે, જે તેના માટે જોખમી છે.
 
ચીનનો પ્રહાર: કઈ કંપનીઓ પર તવાઈ?
ચીનના વાણિજ્ય મંત્રાલયે જાપાનની કંપનીઓને બે ભાગમાં વહેંચીને પ્રતિબંધો લાદ્યા છે:
1.    નિકાસ નિયંત્રણ યાદી (20 કંપનીઓ): મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ, કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રીઝ અને ફુજિત્સુ જેવી દિગ્ગજ કંપનીઓ હવે ચીન પાસેથી 'ડ્યુઅલ-યુઝ' માલ (જે નાગરિક અને સૈન્ય બંનેમાં વપરાય છે) ખરીદી શકશે નહીં.
2.    વોચ લિસ્ટ (20 કંપનીઓ): સુબારુ કોર્પોરેશન અને મિત્સુબિશી મટિરિયલ્સ જેવી કંપનીઓએ હવે ચીન પાસેથી સામાન મેળવવા માટે લોઢાના ચણા ચાવવા પડશે. તેમને ખાસ લાયસન્સ અને ખાતરી આપવી પડશે કે આ સામાન જાપાની સૈન્ય માટે નથી.
ડ્રેગનની દલીલ અને જાપાનની ચિંતા
ચીને આ પ્રતિબંધોને 'કાયદેસર' ગણાવતા કહ્યું છે કે તે જાપાનના પરમાણુ મહત્વાકાંક્ષાઓને રોકવા માટે આ પગલાં લઈ રહ્યું છે. બીજી તરફ, આ પગલાથી વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. મિત્સુબિશી અને કાવાસાકી જેવી કંપનીઓ જહાજ નિર્માણ અને એરોસ્પેસ ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતી છે, તેથી આ પ્રતિબંધોની અસર માત્ર જાપાન જ નહીં, પણ સમગ્ર એશિયાના વેપાર પર પડી શકે છે.
સંબંધોમાં વધુ ખટાશની શક્યતા
નિષ્ણાતોના મતે, ચીનનું આ વલણ દર્શાવે છે કે તે તાઇવાનના મુદ્દે કોઈ પણ સમજૂતી કરવા તૈયાર નથી. જો જાપાન પોતાનું વલણ નહીં બદલે, તો ચીન આગામી સમયમાં વધુ આકરા પ્રતિબંધો લાદી શકે છે, જે એશિયામાં આર્થિક અસ્થિરતા લાવી શકે છે.

(6:07 PM IST)