<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

બાંગ્લાદેશમાં ‘ખાખી’ની ગુંડાગીરી? તારિક રહેમાનના શાસનમાં પોલીસ બેફામ: વિદ્યાર્થીઓ-પત્રકારોને લાઠીઓથી ઝૂડ્યા!

ઢાકાના સુહરાવર્દી ઉદ્યાનમાં ડ્રગ્સના નામે દમનચક્ર :ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને મીડિયાકર્મીઓ પર લોહીલુહાણ હુમલા બાદ બાંગ્લાદેશમાં લોકશાહીના લીરેલીરા

ઢાકા:  બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ બાદ હવે તારિક રહેમાનના શાસનમાં સ્થિતિ વધુ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઢાકાના ઐતિહાસિક સુહરાવર્દી ઉદ્યાનમાં 'ડ્રગ વિરોધી ઓપરેશન'ના નામે જે ખેલ ખેલાયો, તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પોલીસ પર આરોપ છે કે તેમણે કોઈ પણ પુરાવા વગર ઢાકા યુનિવર્સિટીના નિર્દોષ વિદ્યાર્થીઓ અને ફરજ બજાવી રહેલા પત્રકારો પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. જ્યારે આ હિંસા અંગે પોલીસ અધિકારીને સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે અત્યંત ઉદ્ધત જવાબ આપતા કહ્યું કે, "અમારો હેતુ ધરપકડ કરવાનો નહીં, પણ લોકોને ડરાવવાનો હતો." પોલીસના આ ‘ડર ફેલાવવાના’ એજન્ડાએ બાંગ્લાદેશમાં ફરી એકવાર આતંકનું વાતાવરણ ઊભું કર્યું છે.

વિગતો મુજબ, સોમવારે સાંજે રમના ઝોનના ડેપ્યુટી કમિશનર મસુદની આગેવાનીમાં ૬૦ થી ૭૦ પોલીસ જવાનોએ ઉદ્યાનમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 'બહુભાષી સાંજ' વિશે ચર્ચા કરી રહેલા ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસ તૂટી પડી હતી. વિદ્યાર્થી નઈમ ઉદ્દીને આક્ષેપ કર્યો છે કે પોલીસને તેમની પાસેથી કંઈ જ વાંધાજનક મળ્યું નહોતું, છતાં તેમને ઢોર માર મારવામાં આવ્યો અને તેમના ફોન પણ જપ્ત કરી લેવાયા હતા. આટલું જ નહીં, ઘટનાનું કવરેજ કરી રહેલા વરિષ્ઠ પત્રકારો કવસર અહેમદ અને તોફાયેલ અહેમદને પણ પોલીસે નિશાન બનાવ્યા હતા. પત્રકારો લોહીલુહાણ હાલતમાં હોવા છતાં પોલીસે બચાવ કર્યો હતો કે તેમને ખબર નહોતી કે આ લોકો મીડિયા સાથે જોડાયેલા છે.

ડીસી મસૂદે આ ઓપરેશનને 'નિયમિત કાર્યવાહી' ગણાવીને બચાવ કર્યો છે કે રાત્રિના સમયે ઉદ્યાનના ગાઢ જંગલ જેવા વિસ્તારમાં બેઠેલા લોકો ગાંજો પીતા હતા અને તે દરમિયાન પોલીસ પર પણ હુમલો થયો હતો. જોકે, વિદ્યાર્થીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયો ફૂટેજમાં પોલીસની બર્બરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. તારિક રહેમાન સત્તા પર આવ્યાના ટૂંકા ગાળામાં જ પોલીસનું આવું ‘ગુંડા’ જેવું વલણ બાંગ્લાદેશના ભવિષ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે.

(7:28 PM IST)