News of Tuesday, 24th February 2026
બોલિવૂડના સેટ પર 'VIP સંસ્કૃતિ'નો પર્દાફાશ: ગોવિંદ નામદેવે ખોલ્યા ઉદ્યોગના કાળા પાસા, વેનિટી વાનથી લઈને જમવા સુધીના ભેદભાવ પર રોષ ઠાલવ્યો!
મોટા કલાકારો માટે VIP ભોજન અને આલીશાન વેનિટી, જ્યારે બાકીના માટે અલગ વ્યવહાર; પીઢ અભિનેતાએ કહ્યું - "તફાવત માત્ર ફીમાં જ નહીં, માન-સન્માનમાં પણ છે."

મુંબઈ :બોલિવૂડની ફિલ્મોમાં કડક શાસક કે ખૂંખાર વિલનની ભૂમિકા ભજવનારા પીઢ અભિનેતા ગોવિંદ નામદેવે હાલમાં જ હિન્દી સિનેમા ઉદ્યોગમાં ચાલતા પક્ષપાત અને ભેદભાવ વિશે ગંભીર ખુલાસા કરીને સનસનાટી મચાવી દીધી છે. અત્યાર સુધી માત્ર 'સ્ટાર કિડ્સ' અને 'આઉટસાઈડર્સ' વચ્ચેના વિવાદની વાતો થતી હતી, પરંતુ નામદેવે શૂટિંગ સેટ પર કલાકારો સાથે થતા વ્યવહારના સ્તરે કેવી રીતે ભેદભાવ થાય છે તેનો પર્દાફાશ કર્યો છે.
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ગોવિંદ નામદેવે જણાવ્યું હતું કે, ફિલ્મ ઉદ્યોગમાં પાયાની સુવિધાઓમાં પણ જમીન-આસમાનનો તફાવત છે. તેમણે ખુલાસો કર્યો કે જે કલાકારો કરોડોમાં ફી લે છે, તેમને આલીશાન વેનિટી વાન અને ખાસ સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ આઘાતજનક વાત એ છે કે ભેદભાવ ભોજન સુધી પહોંચી ગયો છે. મોટા સ્ટાર્સ માટે 'VIP મેનૂ' તૈયાર કરવામાં આવે છે, જ્યારે અન્ય કલાકારો અને ક્રૂ મેમ્બર્સ સાથે ગૌણ વ્યવહાર કરવામાં આવે છે.
ગોવિંદ નામદેવ હિન્દી સિનેમાનો એવો ચહેરો છે જેમણે "ઓએમજી", "વિરાસત", અને "ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની" જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોખંડી ઓળખ બનાવી છે. 70 વર્ષની ઉંમરે પણ તેઓ સક્રિય છે. પોતાની વાત સ્પષ્ટપણે રાખવા માટે જાણીતા નામદેવે ઉમેર્યું કે, કલા તો કલા છે, પણ સેટ પર કલાકારોના કદ પ્રમાણે જે રીતે વ્યવસ્થા બદલાઈ જાય છે તે દુઃખદાયક છે.
ગયા વર્ષે ગોવિંદ નામદેવ તેમનાથી ઘણી નાની ઉંમરની અભિનેત્રી શુભાંગી વર્મા સાથેના ફોટાને કારણે ચર્ચામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એવી અફવા ઉડી હતી કે 70 વર્ષની વયે તેઓ 30 વર્ષની અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે. જોકે, અભિનેતાએ તુરંત જ એક વીડિયો જાહેર કરી આ બધી અફવાઓને પાયાવિહોણી ગણાવીને ફગાવી દીધી હતી.
આજે જ્યારે બોલિવૂડમાં પારદર્શિતાની વાતો થઈ રહી છે, ત્યારે ગોવિંદ નામદેવ જેવા સિનિયર કલાકારના આ શબ્દો ઉદ્યોગના કર્તાહર્તાઓ માટે વિચારવા જેવી બાબત છે. શું સેટ પર બધા કલાકારોને સમાન સન્માન ક્યારેય મળશે? આ સવાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
