News of Tuesday, 24th February 2026
ઉત્તર પ્રદેશના હાપુડમાં 517 ગરીબ યુગલોના અરમાનો પર 'બેદરકારી'નું પાણી ફરી વળ્યું :મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનાનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ: DM એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી ભણાવ્યો પાઠ!
₹75 લાખના ટેન્ડરમાં ફાટેલા મંડપ અને હલકી ગુણવત્તાનું ભોજન: જિલ્લા મેજિસ્ટ્રેટની ઓચિંતી તપાસમાં ખુલ્યો ભ્રષ્ટાચારનો પર્દાફાશ, હવે 10 દિવસ પછી ફરી યોજાશે લગ્ન ઉત્સવ.

હાપુડ:ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં 'મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના' હેઠળ રવિવારે એક મોટો વિવાદ સર્જાયો હતો. શહેરના રામલીલા મેદાનમાં 517 યુગલોના લગ્ન માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી, પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પાંડેએ સમગ્ર આયોજન રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયથી લગ્ન કરવા આવેલા સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ આ પાછળનું કારણ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી હતી.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમ માટે 'મુકુલ વેડિંગ્સ' નામની પેઢીને ₹75 લાખનું માતબર ટેન્ડર આપવામાં આવ્યું હતું. જોકે, જ્યારે મુખ્ય વિકાસ અધિકારી (CDO) હિમાંશુ ગૌતમે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું, ત્યારે તેઓ દંગ રહી ગયા હતા. લગ્ન માટે બનાવેલા મંડપમાં ફાટેલા અને ગંદા કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ગરીબ પરિવારોના બાળકોના લગ્ન હતા, તેમની ગરિમાનું અપમાન થતું જોઈ અધિકારીઓ લાલચોળ થઈ ગયા હતા.
માત્ર મંડપ જ નહીં, પણ ભોજનની ગુણવત્તામાં પણ મોટી ગોબાચારી જોવા મળી હતી. મહેમાનો માટે બનાવાયેલું ભોજન અત્યંત હલકી કક્ષાનું હતું. આ બાબતની જાણ થતા જ DM અભિષેક પાંડેએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને તાત્કાલિક અસરથી લગ્ન સમારોહ રોકી દીધો હતો. તેમણે જણાવ્યું કે, "સરકારના નાણાંનો આવો દુરુપયોગ અને ગરીબ પરિવારોની લાગણીઓ સાથે રમત સહન કરવામાં આવશે નહીં."
જિલ્લા મેજિસ્ટ્રેટે કડક વલણ અપનાવતા આયોજન કરનાર કંપનીને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરી દીધી છે. એટલું જ નહીં, રાજ્યના ડિરેક્ટોરેટને પત્ર લખીને આ પેઢીને ભવિષ્યમાં કોઈ પણ સરકારી કામ ન આપવા માટે ભલામણ કરી છે. આ મામલે જિલ્લા સમાજ કલ્યાણ વિભાગની બેદરકારી સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
રદ થયેલા આ લગ્ન સમારોહને કારણે જે પરિવારોને અસુવિધા થઈ છે, તેમની માફી માંગતા વહીવટીતંત્રે ખાતરી આપી છે કે હવે 10 દિવસ બાદ પૂરી મર્યાદા અને શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે આ કાર્યક્રમ ફરીથી યોજવામાં આવશે. ગરીબ કન્યાઓના લગ્નમાં કોઈ ખામી ન રહી જાય તે માટે હવે સીધું સુપરવિઝન ઉચ્ચ અધિકારીઓ કરશે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
