હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇટાલીમાં ‘ફાઇટર જેટ’ કૌભાંડ: ₹૧૮૧ કરોડના ૨,૫૦૦ સ્પેરપાર્ટ્સ રહસ્યમય રીતે ગાયબ : મેલોની સરકારમાં મચ્યો હડકંપ!
વાયુસેનાના ડેપોમાંથી એવિઓનિક્સ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક મોડ્યુલ્સની ‘ફિલ્મી’ ઢબે ચોરી : જનરલ સ્તરના અધિકારીઓ તપાસના ઘેરામાં

રોમ: ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના વતનમાં એક એવું સંરક્ષણ કૌભાંડ બહાર આવ્યું છે જેણે સમગ્ર યુરોપને હચમચાવી દીધું છે. ઇટાલિયન વાયુસેનાના બ્રિન્ડીસી લોજિસ્ટિક્સ ડેપોમાંથી લગભગ ૨,૫૦૦ જેટલા અત્યંત મહત્વના સૈન્ય વિમાનના ભાગો ગાયબ થઈ ગયા છે. આ ગુમ થયેલા સ્પેરપાર્ટ્સની કિંમત આશરે ૧૭ મિલિયન યુરો (અંદાજે ₹૧૮૧ કરોડ) આંકવામાં આવી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે આ કોઈ સામાન્ય સામાન નથી, પરંતુ ફાઇટર જેટના ‘મગજ’ ગણાતા ઇલેક્ટ્રોનિક મોડ્યુલ્સ અને એવિઓનિક્સ સિસ્ટમ્સ છે. રોમના વકીલોએ આ મામલે વાયુસેનાના એક જનરલ અને લોજિસ્ટિક્સ મેનેજર સહિત એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આ ચોરી પાછળ એક અત્યંત સંગઠિત ગેંગનો હાથ હોઈ શકે છે. શંકા છે કે કાર્યરત અને કિંમતી ભાગોને સરકારી દસ્તાવેજો પર ‘ખામીયુક્ત’ અથવા ‘જૂના’ જાહેર કરી દેવામાં આવ્યા હતા જેથી તેમને ટ્રેકિંગ સિસ્ટમમાંથી દૂર કરી શકાય. નાટો પ્રોટોકોલ હેઠળ દરેક લશ્કરી ભાગનો એક યુનિક કોડ હોય છે, તેમ છતાં આટલા મોટા પાયે ઉચાપત થવી એ સીધી રીતે સત્તાવાર મિલીભગત તરફ ઈશારો કરે છે. તપાસકર્તાઓ માને છે કે આ ભાગોને ખાનગી વેરહાઉસમાં ખસેડીને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવ્યા હતા, જેના કારણે ઇટાલીની રાષ્ટ્રીય સુરક્ષા પણ જોખમમાં મુકાઈ શકે છે.
આ કૌભાંડમાં હવે ‘બ્રાઝિલ કનેક્શન’ ખુલતા મામલો વધુ ગંભીર બન્યો છે. ગાયબ થયેલા ભાગો મુખ્યત્વે પેનાવિયા ટોર્નાડો અને AMX ફાઇટર-બોમ્બર જેવા વિમાનોના છે. AMX વિમાન ઇટાલી અને બ્રાઝિલના સંયુક્ત સાહસથી બનેલું હોવાથી, બ્રાઝિલિયન વાયુસેના આજે પણ તેનો ઉપયોગ કરે છે. આ વિમાનોની પ્રોડક્શન લાઇન બંધ થઈ ગઈ હોવાથી તેના સ્પેરપાર્ટ્સની બ્લેક માર્કેટમાં ભારે માંગ છે. ઇટાલિયન ન્યાયતંત્ર અત્યારે તકનીકી નિષ્ણાતોની મદદથી એ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે કે શું આ સંરક્ષણ ઉપકરણો દક્ષિણ અમેરિકા મોકલી દેવાયા છે? જો આ કૌભાંડ સાબિત થશે, તો તે ઇટાલિયન લશ્કરી ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
