<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ગુટખા પ્રમોશન સામે હાઈકોર્ટ કડકઃ શાહરૂખ, અજય અને અક્ષયને પક્ષકાર બનાવ્‍યા

લખનૌ,તા.૨૫: હાઈકોર્ટની લખનૌ બેન્‍ચે સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર પ્રોટેક્‍શન ઓથોરિટીને ગુટખા કંપનીઓના પ્રમોશન અંગેના તેના અગાઉના આદેશનો જવાબ આપવાનો નિર્દેશ આપ્‍યો છે. આ કેસમાં આગામી સુનાવણી ૬ એપ્રિલે થશે. મુખ્‍ય ન્‍યાયાધીશ અરુણ ભસાલી અને ન્‍યાયાધીશ જસપ્રીત સિહની ડિવિઝન બેન્‍ચે સ્‍થાનિક વકીલ મોતીલાલ યાદવ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર આ આદેશ આપ્‍યો છે.

હકીકતમાં, ૨૫ નવેમ્‍બર, ૨૦૨૫ ના રોજ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ઓથોરિટીને પૂછ્‍યું કે અરજદારની ૨૦૨૩ની અરજીની તપાસ હજુ પણ કેમ બાકી છે. ગુટખા કંપનીઓની સાથે, ક્રિકેટર કપિલ દેવ, સુનીલ ગાવસ્‍કર, વીરેન્‍દ્ર સેહવાગ, ક્રિસ ગેલ અને અભિનેતા અમિતાભ બચ્‍ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, સલમાન ખાન, ઋત્‍વિક રોશન, ટાઇગર શ્રોફ, સૈફ અલી ખાન અને રણવીર સિહને પણ અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્‍યા છે.

અરજીમાં જણાવાયું છે કે પાન મસાલા કંપનીઓને સમર્થન આપતી મોટાભાગની હસ્‍તીઓ પદ્મ પુરસ્‍કાર વિજેતા છે અને આવી જાહેરાતો સમાજમાં નકારાત્‍મક સંદેશ મોકલે છે. આ જાહેરાતો ગ્રાહક કાયદાઓનું પણ ઉલ્‍લંઘન કરે છે.

(10:07 AM IST)