તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
સંજય લીલા ભણસાલીને હાર્ટએટેકના સમાચાર માત્ર અફવા
ભણસાલીની ટીમે સત્તાવાર નિવેદન જારી કરી અફવાખોરોને આપ્યો જડબાતોડ જવાબ : ૬૩મા જન્મદિવસે હોસ્પિટલમાં દાખલ થયા હોવાની વાત પાયાવિહોણી

મુંબઈ, તા.૨૫: બોલિવૂડમાં ભવ્ય સેટ્સ અને અદભૂત સિનેમેટોગ્રાફી માટે જાણીતા દિગ્ગજ ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીના સ્વાસ્થ્યને લઈને મંગળવારનો દિવસ ભારે ઉથલપાથલભર્યો રહ્યો. સોશિયલ મીડિયા પર એવા સમાચારે જોર પકડ્યું હતું કે તેમના ૬૩મા જન્મદિવસની ઉજવણી દરમિયાન ભણસાલીને અચાનક હાર્ટ એટેક આવ્યો છે અને તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો અને તેમના લાખો ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પાર્ટીનું ખુશનુમા વાતાવરણ અચાનક ગમગીનીમાં ફેરવાઈ ગયું હોવાના ખોટા અહેવાલોએ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.
જોકે, આ ગભરાટ વચ્ચે સંજય લીલા ભણસાલીની પીઆર ટીમે તરત જ હરકતમાં આવીને તમામ અટકળો પર પાણી ફેરવી દીધું હતું. ટીમે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કર્યું કે, ભણસાલી સાહેબને હોસ્પિટલમાં દાખલ કરવાના કે તેમને હાર્ટ એટેક આવ્યા હોવાના સમાચાર તદ્દન ખોટા, ભ્રામક અને પાયાવિહોણા છે. ટીમે વધુમાં જણાવ્યું કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને પોતાના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. આ સ્પષ્ટતા બાદ તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભણસાલીએ પોતાનો જન્મદિવસ ખૂબ જ શાંતિથી અને પરિવારના સભ્યો સાથે વિતાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
