<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

પાઠયપુસ્‍તક ન્‍યાયતંત્ર વિરુદ્ધઃ હું સુપ્રીમ કોર્ટને બદનામ નહીં થવા દઉં

CJI સૂર્યકાન્‍તનો NCERT પર પ્રચંડ પ્રહારઃ વરિષ્ઠ વકીલો કપિલ સિબ્‍બલ અને અભિષેક મનુ સિંઘવીની રજૂઆત બાદ ન્‍યાયિક જગતમાં ભારે આક્રોશ : ધોરણ ૮ ના બાળકોને ભ્રષ્ટાચારના પાઠ ભણાવવા પર દેશની સર્વોચ્‍ચ અદાલત લાલઘૂમઃ NCERT ની સામગ્રીને બંધારણના મૂળભૂત માળખા વિરુદ્ધ ગણાવી

નવી દિલ્‍હી, તા.૨૫: ભારતના ન્‍યાયિક ઇતિહાસમાં એક અભૂતપૂર્વ વળાંક આવ્‍યો છે, જ્‍યાં ખુદ સુપ્રીમ કોર્ટે NCERT (નેશનલ કાઉન્‍સિલ ઓફ એજ્‍યુકેશનલ રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગ) ના ધોરણ ૮ ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્‍યપુસ્‍તક સામે મોરચો માંડ્‍યો છે. ચીફ જસ્‍ટિસ સૂર્યકાન્‍તે અત્‍યંત કડક શબ્‍દોમાં ચેતવણી આપતા કહ્યું કે, તેઓ સંસ્‍થાને બદનામ કરવાની કોઈ પણ કોશિશને સહન નહીં કરે. આ વિવાદ ત્‍યારે વકર્યો જ્‍યારે પાઠ્‍યપુસ્‍તકમાં ન્‍યાયતંત્રમાં ભ્રષ્ટાચાર શીર્ષક હેઠળ એક આખો વિભાગ ઉમેરવામાં આવ્‍યો, જેમાં એવો દાવો કરાયો છે કે સામાન્‍ય જનતા અને ખાસ કરીને ગરીબ વર્ગને ન્‍યાયતંત્રના વિવિધ સ્‍તરો પર ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે. CJI એ આ બાબતને સુવિચારિત અને ઇરાદાપૂર્વકનું પગલું ગણાવીને તીખી પ્રતિક્રિયા આપી છે.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં ત્‍યારે ગરમાવો આવ્‍યો જ્‍યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્‍બલ અને અભિષેક મનુ સિંઘવીએ કોર્ટનું ધ્‍યાન દોર્યું કે ૧૩-૧૪ વર્ષના કુમળા મગજ ધરાવતા વિદ્યાર્થીઓને ન્‍યાયતંત્રની નકારાત્‍મક છબી પીરસવામાં આવી રહી છે. સિબ્‍બલે ચિંતા વ્‍યક્‍ત કરી હતી કે જો બાળકોને શરૂઆતથી જ આવું શીખવવામાં આવશે તો ન્‍યાયિક સંસ્‍થાઓ પ્રત્‍યેની શ્રદ્ધા કાયમ માટે ડગી જશે. જસ્‍ટિસ જોયમલ્‍યા બાગચીએ તો ત્‍યાં સુધી કહ્યું કે આ પ્રકારની સામગ્રી ભારતીય બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે. CJI સૂર્યકાન્‍તની આગેવાની હેઠળની બેન્‍ચે, જેમાં જસ્‍ટિસ વિપુલ એમ. પંચોલીનો પણ સમાવેશ થાય છે, આ મામલે તત્‍કાલ સ્‍વતઃ સંજ્ઞાન લીધું છે.

NCERT દ્વારા સુધારેલા પ્રકરણ આપણા સમાજમાં ન્‍યાયતંત્રની ભૂમિકા માં અદાલતોની રચના સમજાવવાને બદલે ન્‍યાયતંત્ર સામેના પડકારો પર વધુ ભાર મૂકવામાં આવ્‍યો છે. જેમાં કેસોનો ભરાવો, ન્‍યાયાધીશોની અછત અને ભ્રષ્ટાચારને મુખ્‍ય મુદ્દા બનાવવામાં આવ્‍યા છે. CJI સૂર્યકાન્‍તે સ્‍પષ્ટ કર્યું કે માત્ર તેઓ જ નહીં, પરંતુ દેશની તમામ હાઈકોર્ટના ન્‍યાયાધીશો અને વકીલ આલમ આ બાબતથી અત્‍યંત નારાજ છે. તેમણે ખાતરી આપી છે કે કાયદો પોતાનો રસ્‍તો અપનાવશે અને આ ગંભીર વિષય પર ટૂંક સમયમાં વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે જેથી સંસ્‍થાની ગરિમા જળવાઈ રહે.

શૈક્ષણિક સામગ્રી અને ન્‍યાયિક સન્‍માન વચ્‍ચેના આ સંઘર્ષે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. એક તરફ શિક્ષણવિદો તર્ક આપી રહ્યા છે કે વાસ્‍તવિકતાથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા જોઈએ, તો બીજી તરફ સર્વોચ્‍ચ અદાલતનું માનવું છે કે અડધું સત્‍ય અથવા નકારાત્‍મકતા પીરસીને ન્‍યાયતંત્ર જેવી સ્‍તંભ સમાન સંસ્‍થાને નીચી દેખાડવાનું આ એક વ્‍યવસ્‍થિત કાવતરું હોઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ NCERT પાઠ્‍યપુસ્‍તકમાંથી આ વિવાદાસ્‍પદ અંશો દૂર કરે છે કે કેમ, કારણ કે CJI એ સ્‍પષ્ટ કહી દીધું છે કે તેઓ કોઈને પણ સુપ્રીમ કોર્ટની છબી ખરડવા દેશે નહીં.

(3:52 PM IST)