ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
બેંકોની ‘ડિજિટલ ઉઘાડી લૂંટ’ પર RBIની સર્જિકલ સ્ટ્રાઈક: હવે એપમાં નહીં ચાલે છેતરપિંડીની યુક્તિઓ!
મોબાઈલ એપમાં છુપાયેલા ચાર્જ અને પરાણે પધરાવાતી સેવાઓનો આવશે અંત : જુલાઈ ૨૦૨૬ સુધીમાં બેંકોએ સુધરવું પડશે નહીં તો ખેર નહીં: ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ‘ડાર્ક પેટર્ન’ પર પ્રતિબંધ મૂકતો RBIનો ઐતિહાસિક આદેશ

મુંબઈ: શું તમે ક્યારેય બેંક એપ ખોલતા જ વીમા કે લોન માટેની વારંવાર આવતી પોપ-અપ જાહેરાતોથી કંટાળી ગયા છો? અથવા ટ્રાન્ઝેક્શનના અંતે અચાનક લાગતા ‘હિડન ચાર્જીસ’ જોઈને ચોંકી ગયા છો? જો હા, તો હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તમારી વહારે આવી છે. RBI એ "જવાબદાર વ્યવસાય આચાર સુધારણા નિર્દેશો, 2026" હેઠળ દેશની તમામ બેંકોને કડક આદેશ આપ્યો છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર ગ્રાહકોને ફસાવવા માટે વપરાતી ‘ડાર્ક પેટર્ન’ યુક્તિઓનો તત્કાલ અંત લાવવામાં આવે. કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેંકોએ જુલાઈ ૨૦૨૬ સુધીમાં તેમની વેબસાઇટ અને એપ્લિકેશનને એવી રીતે ડિઝાઇન કરવી પડશે જેમાં પારદર્શકતા હોય અને ગ્રાહકની સ્પષ્ટ સંમતિ વિના કોઈ પણ પ્રોડક્ટ વેચી ન શકાય.
આ કડક નિર્ણય પાછળ લોકલસર્કલ દ્વારા ૧.૬૧ લાખ લોકો પર કરવામાં આવેલો એક મોટો સર્વે જવાબદાર છે. આ સર્વેમાં બહાર આવ્યું હતું કે ૩૮૮ જિલ્લાના ગ્રાહકો ઓનલાઇન બેંકિંગ દરમિયાન ભ્રામક ડિઝાઇનનો શિકાર બની રહ્યા છે. ઘણી વખત બેંક એપ્સમાં એવા વિકલ્પો રાખવામાં આવે છે જે ગ્રાહકને અજાણતા જ વધારાની સર્વિસ એક્ટિવેટ કરવા મજબૂર કરે છે. RBI એ હવે આદેશ આપ્યો છે કે કોઈપણ નાણાકીય સેવા આપતા પહેલા ગ્રાહકને તેના તમામ ચાર્જ અને શરતો સ્પષ્ટપણે જણાવવા પડશે. જો ગ્રાહકની મરજી ન હોય તો તેને વારંવાર નોટિફિકેશન મોકલીને હેરાન કરવા પર પણ રોક લગાવવામાં આવી છે.
મોબાઈલ બેંકિંગ પર વધતી નિર્ભરતાને જોતા RBI નો આ માસ્ટરસ્ટ્રોક ડિજિટલ ઇકોનોમીને વધુ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બનાવશે. બેંકોને તેમની સિસ્ટમ સુધારવા માટે જુલાઈ ૨૦૨૬ સુધીની ડેડલાઇન આપવામાં આવી છે. આ નવા નિયમો લાગુ થયા બાદ, ગ્રાહકોને માત્ર એ જ સેવાઓ માટે ચૂકવણી કરવી પડશે જે તેમણે સ્વેચ્છાએ પસંદ કરી હોય. ‘ડાર્ક પેટર્ન’ ના નામે ચાલતી આ છેતરપિંડી પર બ્રેક લાગતા હવે ગ્રાહકોનો બેંકિંગ અનુભવ વધુ સરળ અને ન્યાયી બનશે. જો કોઈ બેંક આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો RBI તેમની સામે ભારે દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી રાખી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
