<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

બિલ ગેટ્સનો ખળભળાટ મચાવતો ખુલાસો: "હા, મારે રશિયન મહિલાઓ સાથે અફેર હતું", એપ્સટિન વિવાદમાં ફસાયેલા ઉદ્યોગપતિએ સ્ટાફની માફી માંગી

જેફરી એપ્સટિન સાથેની મિત્રતાને ગણાવી જીવનની 'સૌથી મોટી ભૂલ'; AI સમિટમાંથી પણ ખસી ગયા, જાણો ટાઉન હોલ મીટિંગમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકે કેવી રીતે હૈયાવરાળ ઠાલવી

નવી દિલ્હી | તા.૨૫: વિશ્વના સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિ અને પરોપકારી બિલ ગેટ્સ અત્યારે તેમના અંગત જીવન અને ભૂતકાળના સંબંધોને લઈને મોટા વિવાદમાં ઘેરાયા છે. કુખ્યાત જેફરી એપ્સટિન સાથે જોડાયેલી ફાઇલો જાહેર થયા બાદ બિલ ગેટ્સે પોતાની ભૂલ સ્વીકારી છે. એક ખાનગી ટાઉન હોલ મીટિંગ દરમિયાન ગેટ્સે કબૂલાત કરી હતી કે તેમનું રશિયન મહિલાઓ સાથે અફેર હતું, જેના કારણે તેમની સંસ્થા અને સ્ટાફને ભારે અસ્વસ્થતાનો સામનો કરવો પડ્યો છે.

"એપ્સટિન સાથેની મુલાકાતો મારી મોટી ભૂલ હતી"

દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સ જાહેર થયા બાદ બિલ ગેટ્સે સ્વીકાર્યું કે જેફરી એપ્સટિન જેવા વિવાદાસ્પદ વ્યક્તિ સાથે સમય વિતાવવો અને તેમને ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે પરિચય કરાવવો એ તેમની ગંભીર ભૂલ હતી. તેમણે કર્મચારીઓની માફી માંગતા કહ્યું કે, "મારા આ નિર્ણયથી સંસ્થાની છબી ખરડાઈ છે અને તમારી વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થયા છે, જેની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું."

રશિયન મહિલાઓ સાથેના સંબંધોની કબૂલાત

એપ્સટિન ફાઇલ્સમાં જે રશિયન મહિલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમની સાથે બે અફેર હોવાની વાત બિલ ગેટ્સે સ્વીકારી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ સંબંધો વ્યક્તિગત હતા અને તેનો એપ્સટિનના પીડિતો અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કર્મચારીઓને ખાતરી આપતા કહ્યું, "મેં કંઈપણ ગેરકાયદેસર કર્યું નથી અને મેં ક્યારેય પણ આવી કોઈ ખોટી પ્રવૃત્તિ જોઈ નથી."

ભારતની AI સમિટમાંથી છેલ્લી ઘડીએ ખસી ગયા

આ વિવાદની ગંભીરતા એટલી વધી ગઈ છે કે બિલ ગેટ્સે ભારતમાં યોજાનારી 'AI ઈમ્પેક્ટ સમિટ ૨૦૨૬' માં પોતાની ભાગીદારી રદ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેટ્સ નથી ઈચ્છતા કે તેમના અંગત વિવાદોને કારણે કોઈ મોટા કાર્યક્રમના મુખ્ય વિષય પરથી ધ્યાન ભટકે. ગેટ્સ ફાઉન્ડેશને પણ સ્પષ્ટતા કરી છે કે એપ્સટિન સાથે તેમનો કોઈ નાણાકીય વ્યવહાર રહ્યો નથી, છતાં નવા ખુલાસાઓએ માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકની વ્યાવસાયિક વિશ્વસનીયતા પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.

જાહેર જીવનમાં અત્યંત આદરણીય મનાતા બિલ ગેટ્સના આ ખુલાસાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભૂતકાળના છુપાયેલા રહસ્યો ગમે ત્યારે વ્યાવસાયિક છબીને મોટું નુકસાન પહોંચાડી શકે છે

(6:07 PM IST)