ખાખી વિરુદ્ધ ખાખી: હિમાચલ પોલીસે દિલ્હી પોલીસના ૨૦ જવાનોને ‘કેદ’ કર્યા! AI સમિટ વિવાદમાં પહાડો પર પોલીસ જંગ
શિમલા હાઈવે પર ધરમપુર પાસે મોડી રાત્રે ફિલ્મી દ્રશ્યો : મુખ્યમંત્રી સુખુ અને જયરામ ઠાકુર વચ્ચે જંગ : હિમાચલ સદન ‘ષડયંત્રનું કેન્દ્ર’ હોવાના ભાજપના આક્ષેપથી રાજકારણ ગરમાયું

સોલન: હિમાચલ પ્રદેશના શાંત પહાડોમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાના નામે ‘પોલીસ વિરુદ્ધ પોલીસ’નો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. દિલ્હીમાં યોજાયેલી AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ વિરોધ પ્રદર્શન કરીને શિમલાના રોહરુમાં છુપાયેલા યુથ કોંગ્રેસના ત્રણ કાર્યકરોની અટકાયત કરવા ગયેલી દિલ્હી પોલીસ પોતે જ હિમાચલ પોલીસના સકંજામાં આવી ગઈ છે. સોલન પોલીસે ચંદીગઢ-શિમલા હાઈવે પર ફિલ્મી ઢબે બેરિકેડિંગ કરીને દિલ્હી પોલીસના ૨૦ કર્મચારીઓની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાને પગલે બંને રાજ્યોની પોલીસ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને મામલો હવે શિમલાની એસીજેએમ કોર્ટમાં પહોંચ્યો છે.
આ વિવાદનું કેન્દ્ર દિલ્હીમાં થયેલો AI સમિટનો વિરોધ છે. આરોપ છે કે જીતેન્દ્ર સિંહ સહિતના ત્રણ કાર્યકરોએ દિલ્હીમાં હોબાળો કર્યા બાદ હિમાચલ સદનમાં આશરો લીધો હતો અને ત્યારબાદ તેઓ રોહરુની એક હોટલમાં છુપાયા હતા. દિલ્હી પોલીસે મધ્યરાત્રિએ હિમાચલ સદનમાં દરોડો પાડતા મામલો બિચક્યો હતો. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ દિલ્હી પોલીસની આ કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવીને યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાન ચિબની ધરપકડની આકરી નિંદા કરી છે. સુખુના મતે, યુવા કાર્યકરોને સમજાવી શકાયા હોત, પરંતુ તેમની સામે આતંકવાદીઓ જેવું વર્તન કરવામાં આવ્યું છે, જે અન્યાયી છે.
બીજી તરફ, હિમાચલ ભાજપ અને પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ મામલે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જયરામ ઠાકુરે આરોપ લગાવ્યો છે કે હિમાચલ સદનને ષડયંત્રનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અને તેમાં રોકાયેલા લોકોના આઈડી કાર્ડ જાણીજોઈને છુપાવવામાં આવ્યા હતા. તેમણે આ સમગ્ર ઘટનામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. હાલમાં સોલન પોલીસે દિલ્હી પોલીસના જવાનોને અટકાવીને શિમલા એસપી ગૌરવ સિંહની હાજરીમાં કોર્ટમાં રજૂઆત કરી છે. શું દિલ્હી પોલીસના કર્મચારીઓ પર પણ કોઈ કાયદાકીય કાર્યવાહી થશે કે પછી આ મામલો રાજકીય સમજૂતીથી થાળે પડશે, તે જોવું રસપ્રદ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
