ખામનેઈની ટ્રમ્પને ‘આખરી ચેતવણી’: “યુદ્ધ થયું તો અમેરિકનો દુનિયામાં ક્યાંય સુરક્ષિત નહીં રહે : બધી લાલ રેખાઓ તૂટશે!”
ઈરાની અખબારના લેખે મચાવ્યો ખળભળાટ : જો ઈરાનની ધરતી પર આક્રમણ થયું તો દુનિયાના ખૂણે ખૂણે અમેરિકન નાગરિકોને નિશાન બનાવવાની ધમકી: ૧૨ દિવસના જંગ પછી હવે ‘મલ્ટી-ફ્રન્ટ વોર’ ની બ્લુપ્રિન્ટ તૈયાર

તેહરાન: પશ્ચિમ એશિયામાં યુદ્ધના નગારા વાગી રહ્યા છે અને આ વખતે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો અને અત્યંત ભયાનક પડકાર ફેંક્યો છે. ખામેનીની સત્તાવાર વેબસાઇટ પર શેર કરાયેલા એક લેખમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો અમેરિકા ઈરાની ભૂમિ પર હુમલો કરવાની હિંમત કરશે, તો હવે યુદ્ધ કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતું મર્યાદિત નહીં રહે. ઈરાને ઘોષણા કરી છે કે હવે બધી જ 'લાલ રેખાઓ' ભૂંસાઈ ગઈ છે અને નવો સંઘર્ષ અનેક મોરચાઓ પર એકસાથે છેડાશે. આ લેખમાં સૌથી ડરામણી વાત એ કહેવામાં આવી છે કે ઈરાન પરના હુમલાના જવાબમાં વિશ્વના કોઈપણ ખૂણે વસતા અમેરિકન નાગરિકો માટે સલામતીના દરવાજા બંધ થઈ જશે.
ઈરાની અખબાર 'સદાય-એ-ઈરાન' ના તંત્રીલેખમાં જણાવાયું છે કે ગત ૧૨ દિવસના યુદ્ધમાં ઈરાને તેના સાથી સંગઠનોની મદદ વિના એકલા હાથે "ઝાયોનિસ્ટ અને અમેરિકન આક્રમણકારો" નો સામનો કર્યો હતો. પરંતુ હવે રણનીતિ બદલાઈ છે. જો ફરીથી યુદ્ધ છેડાશે તો દુશ્મનને માત્ર ઈરાન જ નહીં, પણ અલગ-અલગ ભૌગોલિક પ્રદેશોમાં સક્રિય અનેક વૈવિધ્યસભર મોરચાઓનો સામનો કરવો પડશે. ઈરાનનો ઈશારો તેના પ્રોક્સી સંગઠનો (હિઝબુલ્લાહ, હૌથી વગેરે) તરફ છે, જેઓ હવે અમેરિકાના વૈશ્વિક હિતોને નિશાન બનાવવા માટે સજ્જ હોવાનું મનાય છે. આ ધમકીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે.
દરમિયાન, ઈરાની વિદેશ મંત્રાલયે અમેરિકા અને ઈઝરાયેલની જોડી પર 'પ્રચાર યુદ્ધ' છેડવાનો આરોપ લગાવ્યો છે. પ્રવક્તા ઇસ્માઇલ બાકીએ નાઝી પ્રચારક જોસેફ ગોબેલ્સના સિદ્ધાંતને ટાંકીને કહ્યું કે અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને મિસાઈલ ક્ષમતા વિશે વારંવાર જૂઠું બોલીને તેને સત્ય સાબિત કરવા માંગે છે. ઈરાનનું કહેવું છે કે ઈઝરાયેલ અને યુએસ વહીવટીતંત્ર યુદ્ધથી લાભ મેળવવા માટે ઈરાન વિરુદ્ધ ઝેરી પ્રચાર કરી રહ્યા છે. જે રીતે એક તરફ યુદ્ધના મેદાનમાં અને બીજી તરફ સોશિયલ મીડિયા પર શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે, તે જોતા લાગે છે કે ૨૦૨૬ ના પ્રારંભમાં જ વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર આવીને ઊભું રહી ગયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
