મનાલીના પહાડોમાં રહસ્યમય મોત: પૂર્વ સીએમ ચંપાઈ સોરેનના પૌત્રનું શંકાસ્પદ અવસાન; માથાનો દુખાવો થયો, દવા લીધી ને મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું!
22 વર્ષીય વીર સોરેનના નિધનથી ઝારખંડના રાજકારણમાં શોકનો માહોલ; ઓનલાઇન મંગાવેલી દવા કે પહાડોની ઠંડી? પોલીસ અને ડોક્ટરો માટે મૃત્યુનું કારણ બન્યું કોયડો

મનાલી:હિમાચલ પ્રદેશના સુંદર પર્યટન સ્થળ મનાલીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના ૨૨ વર્ષીય પૌત્ર વીર સોરેનનું એક હોમસ્ટેમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. પ્રવાસ પર ગયેલા એક યુવાનનું આ રીતે અચાનક અવસાન થતા અનેક સવાલો ઉભા થયા છે.
વીર સોરેન ૨૨ ફેબ્રુઆરીએ તેના મિત્રો સાથે મનાલી ફરવા આવ્યો હતો. ૨૩ ફેબ્રુઆરીના રોજ સોલાંગ અને સેથાનમાં મોજ-મસ્તી કર્યા બાદ તેઓ સિમસાના એક હોમસ્ટેમાં રોકાયા હતા. સોમવારે બપોરે વીર જ્યારે ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેણે અસહ્ય માથાના દુખાવાની ફરિયાદ કરી હતી. તેના મિત્રોએ તાત્કાલિક ઓનલાઇન ડિલિવરી એપ 'બ્લિંકિટ' (Blinkit) દ્વારા દવા મંગાવી તેને આપી હતી.
દવા લીધાના થોડી જ વારમાં રૂમમાં જોરદાર અવાજ સંભળાયો હતો. મિત્રો દોડીને પહોંચ્યા તો વીર બેડ પરથી નીચે જમીન પર પડેલો હતો. તેને તુરંત મનાલી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું હતું. હોસ્પિટલમાં ડોક્ટરોએ સીપીઆર (CPR) આપી તેને બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા, પરંતુ અંતે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પૌત્રના મોતના સમાચાર મળતા જ પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન ચાર્ટર્ડ હેલિકોપ્ટર દ્વારા મનાલી પહોંચ્યા હતા. પોલીસ અને ડોક્ટરો દ્વારા તપાસની વાત કરવામાં આવી હતી, પરંતુ પરિવારે પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કર્યો હતો. ડીએસપી મનાલી કેડી શર્માના જણાવ્યા મુજબ, વીરના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. પરિવારની ઈચ્છા મુજબ, ચંપાઈ સોરેન પોતાના પૌત્રના પાર્થિવ દેહને હેલિકોપ્ટર મારફતે ઝારખંડ લઈ ગયા છે. હાલમાં મનાલી પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે કે શું આ મૃત્યુ દવાના રિએક્શનથી થયું છે કે પછી પહાડોમાં ઓક્સિજનની કમી કે હાર્ટ ફેલ્યોર જેવું કોઈ કારણ જવાબદાર છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
