<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

પડોશી દેશોમાં ધરતી ધ્રુજી, ભારત માટે ખતરાની ઘંટડી! મ્યાનમાર અને તિબેટમાં ભૂકંપના શ્રેણીબદ્ધ આંચકા; જાણો કેમ વારંવાર આવી રહી છે આ આફત?

હિમાલયન ફોલ્ટ લાઈન સક્રિય થતા વૈજ્ઞાનિકો ચિંતિત: ટેક્ટોનિક પ્લેટોની અથડામણ મોટા ‘મેગાથ્રસ્ટ’ ભૂકંપનો સંકેત? દિલ્હીથી લઈને આસામ સુધીના વિસ્તારો હાઈ-એલર્ટ પર

નવી દિલ્હી:મ્યાનમાર અને તિબેટના વિસ્તારોમાં ધરતી ફરી એકવાર હિંસક રીતે ધ્રુજી ઉઠી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના અહેવાલ મુજબ, આ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે. તિબેટમાં ૩.૬ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે, જ્યારે મ્યાનમારમાં સવારે ૮:૪૬ વાગ્યે ૪.૪ ની તીવ્રતાનો મોટો આંચકો અનુભવાયો હતો. પડોશી દેશોમાં આવી રહેલી આ ધ્રુજારીએ ભારત માટે પણ ચિંતા વધારી દીધી છે.
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે મ્યાનમાર, તિબેટ અને નેપાળનો સમગ્ર પટ્ટો એક અત્યંત સક્રિય 'ટેક્ટોનિક ફોલ્ટ લાઇન' પર આવેલો છે. અહીં વિશાળ ભારતીય ટેક્ટોનિક પ્લેટ સતત ઉત્તર તરફ સરકી રહી છે અને યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. જ્યારે આ બે પ્લેટો વચ્ચે ઘર્ષણ થાય છે, ત્યારે જમીનની નીચે પ્રચંડ ઊર્જા જમા થાય છે. જ્યારે આ ઊર્જા અચાનક મુક્ત થાય છે, ત્યારે ભૂકંપ આવે છે. આ જ અથડામણને કારણે હિમાલય પર્વતમાળા બની છે અને હજુ પણ તેની ઊંચાઈ વધી રહી છે.
 વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે પ્લેટોની આ હિલચાલને કારણે ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારત સૌથી વધુ સંવેદનશીલ છે.
ઝોન-V (સૌથી વધુ જોખમી): આસામ, મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમ જેવા રાજ્યો આ ઝોનમાં આવે છે, જ્યાં મોટો ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધુ છે.
હિમાલયન બેલ્ટ: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારો ફોલ્ટ લાઈનની ખૂબ નજીક હોવાથી ત્યાં જોખમ સતત રહે છે.
દિલ્હી-NCR: હિમાલયમાં થતી કોઈપણ મોટી હિલચાલની સીધી અસર દિલ્હી અને આસપાસના મેદાની વિસ્તારો પર પડે છે.
નિષ્ણાતો માને છે કે આ નાના-નાના આંચકા ભવિષ્યમાં આવનારા કોઈ મોટા 'મેગાથ્રસ્ટ' ભૂકંપનો સંકેત હોઈ શકે છે. હિમાલયન પટ્ટામાં લાંબા સમયથી મોટી ભૂકંપીય ઊર્જા સંચિત થયેલી છે. આ આફત સામે લડવા માટે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ (NDRF) અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સતત દેખરેખ રાખી રહ્યા છે. ‘ભૂકેમ્પ’ એપ દ્વારા રિયલ ટાઈમ ડેટા પર નજર રાખવામાં આવી રહી છે જેથી જરૂર પડે તાત્કાલિક ચેતવણી જારી કરી શકાય

(7:44 PM IST)