<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

માનવતાનો મોટો પુરસ્કાર: અકસ્માત પીડિતનો જીવ બચાવો અને મેળવો ₹25,000! દિલ્હીમાં ‘રાહવીર’ યોજનાનો શંખનાદ

દિલ્હી સરકારે કેન્દ્રની યોજનાને આપી લીલી ઝંડી : હવે પોલીસ કે કોર્ટના ડર વગર કરો મદદ: ‘ગોલ્ડન અવર’માં હોસ્પિટલ પહોંચાડનારને રોકડ ઇનામ સાથે મળશે સન્માન,

નવી દિલ્હી:  દિલ્હીના રસ્તાઓ પર હવે અકસ્માત સમયે કોઈ લાચાર નહીં રહે, કારણ કે દિલ્હી સરકારે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘રાહવીર’ યોજનાને અમલી બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ, જો કોઈ નાગરિક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી વ્યક્તિને ‘ગોલ્ડન અવર’ (અકસ્માતની પ્રથમ કલાક)માં હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર પહોંચાડી તેનો જીવ બચાવશે, તો તેને સરકાર તરફથી ₹25,000નું રોકડ ઇનામ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે. અગાઉની સરકારની ‘ફરિશ્તે’ યોજનામાં માત્ર ₹2,000ની જોગવાઈ હતી, જેની સરખામણીએ આ નવી યોજનામાં રકમમાં અધધ વધારો કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો નિઃસ્વાર્થ ભાવે મદદ માટે આગળ આવે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અકસ્માત સમયે લોકો ઘણીવાર પોલીસ કાર્યવાહી કે કાનૂની ગૂંચવણોના ડરથી મદદ કરવાનું ટાળતા હોય છે, પરંતુ ‘રાહવીર’ યોજના આવા મદદગારોને સંપૂર્ણ કાનૂની રક્ષણ પૂરું પાડે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુદરને ઘટાડવાનો છે. દિલ્હી જેવા ભીડભાડવાળા શહેરમાં સમયસર તબીબી સહાય મળવી એ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત સાબિત થઈ શકે છે. હવે મદદ કરનાર વ્યક્તિએ કોઈ લાંબી પૂછપરછનો સામનો નહીં કરવો પડે, ઉલટાનું તેને સમાજના હીરો તરીકે સન્માનિત કરવામાં આવશે.

યોજનાના પારદર્શક અમલીકરણ માટે જિલ્લા સ્તરે એક વિશેષ ‘મૂલ્યાંકન સમિતિ’ બનાવવામાં આવશે, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારી અને મુખ્ય તબીબી અધિકારીનો સમાવેશ થશે. આ સમિતિ નક્કી કરશે કે ખરેખર કોણે જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જો કોઈ વ્યક્તિ એક સાથે અનેક જીવ બચાવે તો પણ તેને ₹25,000 મળશે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન દેશના ટોચના ૧૦ શ્રેષ્ઠ બચાવકર્તાઓમાં સ્થાન મેળવનારને ₹1 લાખનું રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી શકે છે. આ યોજના માત્ર નાણાકીય સહાય નથી, પરંતુ દિલ્હીના રસ્તાઓને સુરક્ષિત બનાવવા અને માનવતાને જીવંત રાખવાનું એક સબળ માધ્યમ છે.

(7:46 PM IST)