<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

બેલ્જિયમ જનારા સાવધાન! આગામી મહિને રાષ્ટ્રવ્યાપી હડતાળથી હવાઈ સેવાઓ ઠપ થશે; બ્રસેલ્સ સહિતના એરપોર્ટ પર મોટાભાગની ફ્લાઇટ્સ રદ થવાની ભીતિ

સરકારના બજેટ સામે ટ્રેડ યુનિયનોનું રણશિંગું: 12 માર્ચે સુરક્ષા સ્ટાફ અને એર ટ્રાફિક કંટ્રોલર્સ જોડાશે વિરોધમાં, મુસાફરોને એરલાઇન્સ સાથે સંપર્ક કરવા તાકીદ

બ્રસેલ્સ: જો તમે આવતા મહિને યુરોપના દેશ બેલ્જિયમની મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. ફેડરલ સરકારના બજેટના પગલાં સામે બેલ્જિયમના ત્રણ મુખ્ય ટ્રેડ યુનિયનોએ આગામી ૧૨ માર્ચે ૨૪ કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળને કારણે દેશની હવાઈ મુસાફરીમાં મોટો વિક્ષેપ પડવાની શક્યતા છે.

એરપોર્ટ કામગીરી ખોરવાશે

બ્રસેલ્સ એરપોર્ટ અને બ્રસેલ્સ સાઉથ ચાર્લેરોઈ એરપોર્ટના સત્તાધીશોએ પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે ૧૨ માર્ચના રોજ મોટાભાગની ફ્લાઇટ્સ રદ થઈ શકે છે. આ હડતાળમાં એરપોર્ટના સુરક્ષા કર્મચારીઓ, સામાન સંભાળનારા (ગ્રાઉન્ડ સ્ટાફ) અને સૌથી મહત્વના એવા એર ટ્રાફિક નિયંત્રકો (ATC) પણ જોડાવાના છે. બ્રસેલ્સ એરપોર્ટના સીઈઓ આર્નોડ ફીસ્ટના જણાવ્યા મુજબ, તે દિવસે ફ્લાઇટ્સનું સંચાલન લગભગ સંપૂર્ણપણે બંધ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.

મુસાફરો માટે હાલાકી

હડતાળને કારણે માત્ર ફ્લાઇટ્સ રદ જ નહીં થાય, પરંતુ જે થોડીઘણી ફ્લાઇટ્સ લેન્ડ થશે તેમાં પણ ઇમિગ્રેશન તપાસ અને સામાન મેળવવાની પ્રક્રિયા અત્યંત ધીમી રહેશે. એરલાઇન્સે અત્યારથી જ તેમના સમયપત્રકમાં ફેરફાર કરવાનું અને મુસાફરોને રિ-બુકિંગ માટે સૂચનાઓ આપવાનું શરૂ કરી દીધું છે. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ પર પહોંચતા પહેલા પોતાની એરલાઇન પાસેથી ફ્લાઇટ સ્ટેટસની ચોક્કસ માહિતી મેળવી લે.

વિરોધનું કારણ

બેલ્જિયમમાં ટ્રેડ યુનિયનો સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા બજેટના પગલાં અને તેનાથી કર્મચારીઓ પર પડનારી અસરનો વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ બેલ્જિયમમાં આવી હડતાળોને કારણે પરિવહન સેવાઓ ઠપ થઈ ચૂકી છે, અને આ વખતે પણ તેની અસર વ્યાપક રહેવાની ધારણા છે.

(7:58 PM IST)