<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

સિંગાપોરમાં આભ ફાટ્યું! ભારે વરસાદથી ફ્લાઇટ્સના શેડ્યૂલ ખોરવાયા, ઇન્ડિગોએ મુસાફરો માટે જારી કરી ઈમરજન્સી એડવાઇઝરી

ચાંગી એરપોર્ટ પર ફ્લાઇટ્સના પ્રસ્થાન અને આગમનમાં વિલંબ: એરલાઇને મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં સ્ટેટસ ચેક કરવા અને વધારાનો સમય લઈને નીકળવા આપી સૂચના

સિંગાપોર: પર્યટકો અને બિઝનેસ ટ્રાવેલર્સના માનીતા દેશ સિંગાપોરમાં ચોમાસાના ભારે વરસાદે વિમાની સેવાઓને બ્રેક લગાવી દીધી છે. સિંગાપોરમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થતાં અને હવામાન ખરાબ થતાં ફ્લાઇટના સમયપત્રકમાં મોટા પાયે વિક્ષેપ પડ્યો છે. આ સ્થિતિને જોતા ભારતની અગ્રણી એરલાઇન ઇન્ડિગોએ તેના મુસાફરો માટે ખાસ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે.

એરલાઇને આપી ચેતવણી

ઇન્ડિગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે સિંગાપોરમાં ભારે વરસાદને કારણે ઓપરેશનલ કામગીરી પર અસર પડી રહી છે. એરલાઇને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ સંભવિત વિલંબને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે અને એરપોર્ટ પહોંચવા માટે પૂરતો વધારાનો સમય રાખે. ઇન્ડિગોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને હવામાન સુધરતાની સાથે જ મુસાફરોને ગંતવ્ય સ્થાને પહોંચાડવા પ્રયત્નશીલ છે.

ચાંગી એરપોર્ટ પર અસર

દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંના એક એવા ચાંગી એરપોર્ટ પર ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે વિલંબ થવો સામાન્ય બાબત છે, પરંતુ વર્તમાન વરસાદની તીવ્રતાને જોતા અનેક ફ્લાઇટ્સના શિડ્યુલમાં ફેરફાર કરવો પડ્યો છે. જોકે, હજુ સુધી કેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેની સત્તાવાર આંકડાકીય માહિતી એરલાઇન દ્વારા આપવામાં આવી નથી.

મુસાફરોએ શું કરવું?

ઇન્ડિગોએ મુસાફરોને સલાહ આપી છે કે એરપોર્ટ જવા માટે ઘરની બહાર નીકળતા પહેલા એરલાઇનની સત્તાવાર વેબસાઇટ અથવા મોબાઈલ એપ પર પોતાની ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ ચોક્કસ ચેક કરી લેવું. હવામાનની સ્થિતિ બદલાતી રહેતી હોવાથી મુસાફરોને એરલાઇન સાથે સતત સંપર્કમાં રહેવા અને અપડેટ્સ મેળવતા રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

(8:09 PM IST)