<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ફિલ્મ કે આર્ટના નામે કોઈ સમુદાયનું અપમાન ચલાવી લેવાશે નહીં: સુપ્રીમ કોર્ટે ‘ઘુસખોર પંડિત’ વિવાદમાં જબરી ફટકાર લગાવી!

‘વાણી સ્વાતંત્ર્ય છે પણ ગરિમાનું હનન બંધારણીય રીતે અસ્વીકાર્ય’: જસ્ટિસ ઉજ્જલ ભુયાનની મહત્વની ટિપ્પણી; મીમ, કાર્ટૂન કે ફિલ્મો દ્વારા કોઈની ભાવના દુભાવવી એ મૂળભૂત ફરજોનું ઉલ્લંઘન

નવી દિલ્હી: નેટફ્લિક્સ પરની ફિલ્મ ‘ઘુસખોર પંડિત’ના શીર્ષકને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનું માર્ગદર્શન આપ્યું છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે ફિલ્મ નિર્માતા માટે કોઈ સમુદાયને મીમ, કાર્ટૂન કે વિઝ્યુઅલ આર્ટ દ્વારા બદનામ કરવું એ ‘બંધારણીય રીતે અસ્વીકાર્ય’ છે. જોકે, નિર્માતાઓએ ફિલ્મના નામમાં ફેરફાર કરી લેતા કોર્ટે આ કેસ બંધ કર્યો છે, પરંતુ ભવિષ્ય માટે મહત્વના સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ ઉજ્જલ ભુયાને બંધારણની કલમ 51A(e)નો હવાલો આપતા જણાવ્યું કે, દેશના દરેક નાગરિકની એ મૂળભૂત ફરજ છે કે તે સંવાદિતા અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપે. તેમણે ઉમેર્યું કે, "આ આપણા સાથી નાગરિકો પ્રત્યે આદરની ભાવના છે. જાતિ, ધર્મ કે ભાષાને ધ્યાનમાં લીધા વગર અન્ય લોકો માટે આદર રાખવો એ આપણી બંધારણીય ફરજ છે."
 કોર્ટે માત્ર કલાકારો જ નહીં, પરંતુ ઉચ્ચ બંધારણીય હોદ્દા પર બેઠેલા નેતાઓ માટે પણ લાલ આંખ કરી છે. કોર્ટે અવલોકન કર્યું કે જેમણે બંધારણના રક્ષણના શપથ લીધા છે, તેવા જાહેર વ્યક્તિઓએ કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવો એ બંધારણનું સીધું ઉલ્લંઘન ગણાશે. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં 'હેટ સ્પીચ' અને ઉશ્કેરણીજનક નિવેદનોનો ગ્રાફ વધી રહ્યો છે.
 બેન્ચે સ્વીકાર્યું કે ફિલ્મ નિર્માતાઓને કલમ 19(1)(a) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે અને લોકશાહીમાં વ્યંગ કે કલાત્મક માધ્યમો આવશ્યક છે. પરંતુ, આ અધિકાર કોઈ પણ સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે વાપરી શકાય નહીં. આ કેસમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે વિવાદનો ઉકેલ આવી ગયો હોવાથી કેસ રદ કરી શકાય છે, પરંતુ જસ્ટિસ ભુયાને ભારપૂર્વક કહ્યું કે તેઓ આ બંધારણીય મૂલ્યોને પુનરાવર્તિત કરવા માંગે છે જેથી કોઈ મૂંઝવણ ન રહે.
આ ચુકાદો એવા સમયે માર્ગદર્શક સાબિત થશે જ્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના વિવાદાસ્પદ નિવેદનો અને અન્ય નેતાઓની ટિપ્પણીઓ અંગે કોર્ટમાં અરજીઓ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીએ સ્પષ્ટ કરી દીધું છે કે 'આર્ટ' કે 'પોલિટિક્સ'ના નામે નફરત ફેલાવવી એ ભારતની મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે

(10:04 PM IST)