<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

હા, બે રશિયન મહિલાઓ સાથે સંબંધ હતાઃ બિલ ગેટ્‍સ

એપસ્‍ટીન ફાઇલ્‍સમાં નામ જાહેર થયા બાદ માઇક્રોસોફટના સંસ્‍થાપકે સ્‍ટાફની સામે માફી માંગી

વોશિંગ્‍ટન,તા.૨૬: વિશ્વ-વિખ્‍યાત ઉદ્યોગપતિ અને માઇક્રોસોફટના સંસ્‍થાપક બિલ ગેટ્‍સ ફરી એકવાર જેફરી એપસ્‍ટીન સાથે જોડાયેલા વિવાદોને કારણે ચર્ચામાં છે. આ મામલામાં ફસાયેલા બિલ ગેટ્‍સ હવે માફી માંગી રહ્યા છે. તેમણે કબૂલાત કરી છે કે તેમના બે રશિયન મહિલાઓ સાથે સંબંધ હતા. તાજેતરમાં સામે આવેલા નવા દસ્‍તાવેજો બાદ વધેલા વિવાદ વચ્‍ચે ગેટ્‍સે પોતાની સંસ્‍થા ‘બિલ ગેટ્‍સ ફાઉન્‍ડેશન'ના કર્મચારીઓ સામે જાહેરમાં માફી માંગતા કહ્યું છે કે તેમનાથી મોટી ભૂલ થઈ છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, એક આંતરિક ટાઉનહોલ મીટિગમાં ગેટ્‍સે પોતાના જૂના સંબંધો અંગેના પ્રશ્નોના જવાબ આપતા સ્‍વીકાર્યું કે એપસ્‍ટીન સાથે સમય વિતાવવો અને ફાઉન્‍ડેશનના વરિષ્ઠ અધિકારીઓને તેની સાથે મેળવવા એ ‘એક મોટી ભૂલ' હતી. તેમણે કહ્યું કે આ નિર્ણયને કારણે સંગઠનના લોકોને અસહજ પરિસ્‍થિતિનો સામનો કરવો પડ્‍યો, જેની તેઓ જવાબદારી લે છે.

ગેટ્‍સે કથિત રીતે એ પણ સ્‍વીકાર્યું કે એપસ્‍ટીન ફાઇલ્‍સમાં જણાવ્‍યા મુજબ રશિયાની બે મહિલાઓ સાથે તેમના અફેર હતા, પરંતુ તેમણે સ્‍પષ્ટ કર્યું કે તે સંબંધોને એપસ્‍ટીનના પીડિતો સાથે કોઈ લેવાદેવા નહોતી.

આ વિવાદ ત્‍યારે ફરી ઉભો થયો જ્‍યારે અમેરિકાના ન્‍યાય વિભાગ સાથે જોડાયેલા દસ્‍તાવેજો અને તસવીરો જાહેર થઈ, જેમાં ગેટ્‍સ અને એપસ્‍ટીનની અનેક મુલાકાતોનો ઉલ્‍લેખ છે. કેટલીક તસવીરોમાં ગેટ્‍સ એવી મહિલાઓ સાથે જોવા મળ્‍યા છે જેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.

મીડિયા અહેવાલ અનુસાર, ટાઉનહોલ મીટિગ દરમિયાન બિલ ગેટ્‍સે એ પણ સ્‍વીકાર્યું કે તેમના બે ખાનગી સંબંધો રશિયન મહિલાઓ સાથે હતા, જેનો ઉલ્‍લેખ આ ફાઇલ્‍સમાં કરવામાં આવ્‍યો છે. જોકે તેમણે કર્મચારીઓને કહ્યું, ‘‘મેં કંઈપણ ગેરકાનૂની કર્યું નથી અને ન તો એવું કંઈ જોયું છે.''

આ સમગ્ર વિવાદની અસર બિલ ગેટ્‍સના જાહેર કાર્યક્રમો પર પણ પડી છે. ગેટ્‍સે તાજેતરમાં ભારતમાં યોજાયેલી AI ઈમ્‍પેક્‍ટ સમિટ-૨૦૨૬ માં વક્‍તવ્‍ય આપવાથી અંતર જાળવ્‍યું હતું. જેથી કાર્યક્રમનું ધ્‍યાન એઆઈ સમિટના મુખ્‍ય ઉદ્દેશ્‍યથી ન ભટકે.

ઉલ્‍લેખનીય છે કે, ગેટ્‍સ ફાઉન્‍ડેશન પહેલાથી જ સ્‍પષ્ટ કરી ચૂક્‍યું છે કે અમારી એપસ્‍ટીન સાથે કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડદેવડ નથી. તેમજ એપસ્‍ટિનને ક્‍યારેય ફાઉન્‍ડેશનમાં કોઈ ભૂમિકા આપવામાં આવી હતી. આમ છતાં, નવા ખુલાસા બાદ ગેટ્‍સની છબી અને તેમની વ્‍યાવસાયિક વિશ્વસનીયતા પર સવાલો ઉઠવા લાગ્‍યા છે. આ ઘટનાક્રમે ફરી એકવાર એ ચર્ચા તેજ કરી દીધી છે કે જાહેર જીવનમાં પ્રભાવશાળી હસ્‍તીઓના અંગત સંબંધો કઈ હદ સુધી તેમની શાખને અસર કરી શકે છે.

(9:59 AM IST)