<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

EU બાદ હવે ઇઝરાયલ અને ૬ મુસ્‍લિમ દેશો સાથે મેગા ડીલની ભારતની તૈયારી

ભારતની સુપર હેટ્રિક ! યુરોપિયન યુનિયન સાથે થયેલ મધર ઓફ ડીલ્‍સ બાદ ભારત હવે બે મોટી ડીલની તૈયારી કરી : પહેલી ડીલ ઈઝરાયલ સાથે અને બીજી GCC સાથે કરવાની તૈયારી કરવામાં આવી રહ્યું છે. જો આ ડીલ થઈ જાય છે તો ભારતની અમેરિકા અને ચીન પર નિર્ભરતા ઘટી શકે છે

નવી દિલ્‍હી તા.૨૬: અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર સસ્‍પેન્‍સ વધ્‍યું છે. અમેરિકાની કોર્ટે ટેરિફ રદ કર્યા બાદ, આ ડીલને લઈ યોજાનારી મિટિગ રદ કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા અપનાવવામાં આવેલા વલણને કારણે આ ડીલમાં વિલંબ થવાની શક્‍યતા વધી ગઈ છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ભલે સમય લાગી રહ્યો હોય, પરંતુ ભારત ÃSÎ કોઓપરેશન કાઉન્‍સિલ (GCC) અને ઇઝરાયલ સાથે એક મોટી ડીલની તૈયારી કરી રહ્યું છે. ભારત બે મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્‍ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. EU બાદ જો આ બન્ને ડીલ થઈ જાય છે, તો આ ભારત માટે હેટ્રિક હશે.

ભારત અને ઇઝરાયલ વચ્‍ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્‍ટની વાતચીત શરૂ થઈ ગઈ છે. યુરોપિયન યુનિયન અને બ્રિટેન સહિત અનેક દેશો સાથે FTA પર હસ્‍તાક્ષર કર્યા બાદ ભારત હવે ઇઝરાયલ સાથે ફ્રી ટ્રેડ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવી દિલ્‍હીમાં ભારત અને ઇઝરાયલ વચ્‍ચે FTA પર વાતચીત શરૂ થઈ ગઈ છે. પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાત પહેલા બન્ને દેશો વચ્‍ચે મજબૂત વેપાર સંબંધોને પ્રોત્‍સાહન આપવા માટે FTA પર ચર્ચા ફરી એકવાર તીવ્ર બની છે. નવેમ્‍બર ૨૦૨૫માં બન્ને દેશો વચ્‍ચે ઔપચારિક રીતે ડીલ માટે વાતચીત શરૂ થઈ હતી. બન્ને દેશો વચ્‍ચે ટર્મ્‍સ ઓફ રેફરેન્‍સ (ToR) પર પણ હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા. હવે આગામી રાઉન્‍ડની વાતચીત ૨૩ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્‍હીમાં થવા જઈ રહી છે, જ્‍યાં FTA અંતિમ સ્‍વરૂપ આપવામાં આવશે.

ભારત અને ઇઝરાયલ વચ્‍ચે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૨.૧૪ અબજ ડોલરની નિકાસ હતી, જ્‍યારે આયાત ૧.૪૮ અબજ ડોલરની હતી. આયાત અને નિકાસ બન્નેમાં ભારે ઘટાડો થયો છે. ફ્રી ટ્રેડ ડીલ માટે ઔપચારિક વાતચીત શરૂ થવાથી બન્ને પક્ષો વચ્‍ચે વેપાર, રોકાણ અને આર્થિક સંબંધોમાં વધારો થશે. ભારત અને ઇઝરાયલ વચ્‍ચે ખૂબ જ ઓછા ટેરિફ પર વેપાર ચાલે છે. FTA પર હસ્‍તાક્ષર થયા બાદ આ ટેરિફ શૂન્‍ય અથવા સંપૂર્ણપણે ઘટાડવામાં આવશે.

ભારત એશિયામાં ઇઝરાયલનો બીજો સૌથી મોટો ટ્રેડિગ પાર્ટનર છે. ભારત ઇઝરાયલમાં મોતી, કિમતી પથ્‍થરો, ઓટોમોટિવ ડીઝલ, કેમિકલ અને ખનિજ ઉત્‍પાદનો, મશીનરી, ઇલેક્‍ટ્રિકલ સાધનો, પ્‍લાસ્‍ટિક, ટેક્‍સટાઈલ, કપડા, બેઝ મેટલ્‍સ અને કૃષિ પરિવહન સાધનોની નિકાસ કરે છે. જ્‍યારે ઇઝરાયલ પાસેથી મોતી, કિમતી પથ્‍થરો, કેમિકલ, પેટ્રોલિયમ ઓઈલ અને ડિફેન્‍સ ઈક્‍વિપમેન્‍ટ પણ ખરીદે છે.

ભારત અને ગલ્‍ફ કોઓપરેશન કાઉન્‍સિલ (GCC) દેશોએ તેમના વેપાર સંબંધોને મજબૂત બનાવવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્‍ટ (FTA) માટે સંયુક્‍ત નિવેદન જાહેર કર્યું છે. બન્ને દેશો વચ્‍ચે એક ખાસ દસ્‍તાવેજ પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા. ગલ્‍ફ કોઓપરેશન કાઉન્‍સિલ સાથે FTAથી GCCના ૬ સભ્‍ય દેશો સાથે ભારતના વેપાર સંબંધોને મજબૂત બનાવશે. GCC સાથે FTA ભારતના સાઉદી અરેબિયા, સંયુક્‍ત આરબ અમીરાત, કતર, કુવૈત, ઓમાન અને બહેરીન સાથેના વેપાર સંબંધોને મજબૂત બનાવશે.

જો ભારત ગલ્‍ફ કોઓપરેશન કાઉન્‍સિલ (GCC) સાથે FTA કરાર પર હસ્‍તાક્ષર કરે છે, તો EU, ASEAN અને ચીન અને અમેરિકા જેવા દેશો પર ભારતની નિર્ભરતા ઘટી જશે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારત અને ૬ GCC દેશો વચ્‍ચેનો વેપાર ૧૭૯ અબજ ડોલર હોવાનો અંદાજ હતો, જેમાં ભારતની નિકાસ ૫૭ અબજ ડોલર અને આયાત ૧૨૧.૭ અબજ ડોલરની હતી.

આ કરારથી ભારતને ગલ્‍ફ દેશો સાથેના સંબંધો વધારીને ફાયદો થશે, જે તેલ અને ગેસના સૌથી મોટા નિકાસકાર છે. ભારતમાં ક્રૂડ ઓઇલ અને ગેસનો પુરવઠો સરળ બનશે. ભારતના પેટ્રોકેમિકલ ઉદ્યોગ અને IT કંપનીઓને પ્રોત્‍સાહન મળશે. ભારતીય IT કંપનીઓને ગલ્‍ફ દેશોમાં સરળતાથી પ્રવેશ મળશે. કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર જેફરી સોક્‍સ આ ડીલને સુપર ડીલ માને છે. તેમના મતે આ ડીલથી અમેરિકાના બજાર પરની નિર્ભરતા ઘટાડશે.

(10:38 AM IST)