<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

મુંબઈમાં ફળો પર ઉંદર મારવાની દવા લગાવતા બે ફેરિયા ઝડપાયા

જાહેર આરોગ્‍ય સાથે બેફામ ચેડાં : ઉંદરો ફળો ન ખાઈ જાય તે માટે જ ઝેરી દવા ફળો પર લગાવી હોવાની કબૂલાતઃ બંને ફેરિયાઓની દુકાનો સીલ

મુંબઇ તા.૨૬: મલાડમાં બે વિક્રેતાઓએ ફળમાં ઉંદર મારવાની દવા લગાવીને તેનું વેચાણ કરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્‍યું હતું. જેનાથી લોકો માટે ગંભીર સ્‍વાસ્‍થ્‍યનું જોખમ ઊભું થયું હતું. આ મામલે ફરિયાદ મળતાં જ પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરતા દુકાન સીલ કરી દીધી હતી અને બે આરોપીઓની ધરપકડ કરી હતી.

વિગત મુજબ, આ કેસમાં મનોજ કેસરવાની અને બિપિન કેસરવાનીની ધરપકડ કરવામાં આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્‍થાનિક રહેવાસી કુણાલ સાલુંકેએ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ત્‍યારે આ મામલો પ્રકાશમાં આવ્‍યો હતો. ફરિયાદમાં જણાવામાં આવ્‍યું હતું કે બે વિક્રેતાઓ ફળને ઉંદરોથી બચાવવાના નામે ફળ પર આ ઝેરી પદાર્થ છાંટી રહ્યા છે. આ સમ્રગ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવી હતી અને આ વીડિયોને પુરાવા તરીકે પોલીસને સુપરત કરવામાં આવ્‍યો હતો. આ ફરિયાદ બાદ મલાડ પોલીસ સ્‍ટેશનની ટીમે ફરિયાદને ગંભીરતાથી લેતા ફળ વિક્રેતાની દુકાન પર જઈને તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઉંદરોથી બચાવવા માટે ફળોમાં ઉંદર મારવાની દવા લગાવવાની વાત સ્‍વીકારી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે ફળો ક્‍યાંય સાચવવા મૂક્‍યાં હોય તે દરમિયાન ઉંદર ખાઈ જાય તો તેમને આર્થિક નુકસાન થાય છે.

(10:43 AM IST)