ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
હરિયાણામાં હર્ષદ મહેતા સ્ટાઈલ કૌભાંડ: IDFC બેંકના અધિકારીઓએ આચરી ₹590 કરોડની છેતરપિંડી, સાળાના ચક્કરમાં બહેન-બનેવી પણ જેલના સળિયા પાછળ!
માસ્ટરમાઇન્ડ રિષભ અને અભયે સરકારી નાણાં સાથે કરી ખતરનાક રમત; 100 થી વધુ બેંક ખાતાઓ અને નકલી કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ

પંચકુલા, તા. ૨૬: હરિયાણામાં બેંકિંગ ક્ષેત્રને હચમચાવી દેતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. IDFC ફર્સ્ટ બેંકમાં સરકારી ખાતાઓમાંથી ₹590 કરોડની છેતરપિંડી આચરવાના આરોપમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ કૌભાંડની સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેના મુખ્ય સૂત્રધારો વર્ષ ૧૯૯૨ના કુખ્યાત 'બિગ બુલ' હર્ષદ મહેતાના ચાહકો હતા અને તેના જ નકશેકદમ પર ચાલીને રાતોરાત અમીર બનવાના સપના જોતા હતા.
ACB ના DGP ડૉ. એ.એસ. ચાવલાએ પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો હતો કે, બેંકના મેનેજર રિષભ ઋષિ અને રિલેશનશિપ મેનેજર અભય કુમારે આ આખું કાવતરું ઘડ્યું હતું. અભયે આ કાળા ખેલમાં પોતાની બહેન સ્વાતિ અને બનેવી અભિષેક સિંગલાને પણ ભાગીદાર બનાવ્યા હતા. રિષભ અને અભયે પોતાના પદનો દુરુપયોગ કરી સરકારી ખાતાના નાણાં 'સ્વસ્તિક દેશ ઈન્ડિયા' નામની એક નકલી કંપનીમાં ટ્રાન્સફર કર્યા હતા. એકલા આ કંપનીના નામે જ ₹300 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ટોળકીએ કૌભાંડને અંજામ આપવા માટે ૧૦૦ થી વધુ બેંક ખાતાઓ ખોલ્યા અને કામ પૂરું થયા બાદ તેને બંધ કરી દીધા હતા. આ નાણાંનો ઉપયોગ જ્વેલર્સ, બિલ્ડરો, રિયલ એસ્ટેટ અને શેરબજારમાં રોકાણ કરવા માટે થયો હોવાની શંકા છે. જોકે, રાહતની વાત એ છે કે છેતરપિંડીની રકમ સરકારી ખાતામાં પરત આવી ગઈ છે, પરંતુ બેંકની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
પંચકુલા કોર્ટે ચારેય આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે ACB ની ટીમ ચંદીગઢ, મોહાલી અને ગુરુગ્રામ સહિતના સ્થળોએ દરોડા પાડીને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. હર્ષદ મહેતાની શૈલીમાં આચરવામાં આવેલા આ "મોડર્ન ડે સ્કેમ" એ સમગ્ર બેંકિંગ જગતમાં ફફડાટ ફેલાવી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
