અમેરિકાએ ઇરાન ઉપર ઝીંકયો મહાબોંબ 10:48 AM
ઈરાનનો પરમાણુ બોમ્બ પર મોટો ખુલાસો: "અમે અમેરિકાના ડરથી નહીં, પણ ખામેનીના 'ફતવા'ને કારણે હથિયાર નહીં બનાવીએ", રાષ્ટ્રપતિ મસૂદ પજેશ્કિયાને દુનિયાને ચોંકાવી દીધી!
જીનીવામાં અમેરિકા સાથે નિર્ણાયક બેઠક પહેલા ઈરાનનો શાંતિનો રાગ; 25 વર્ષ જૂના ધાર્મિક આદેશને આગળ ધરીને પશ્ચિમી દેશોના દબાણને ફગાવી દીધું

જીનીવા, તા. ૨૬: વિશ્વ જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે પશ્ચિમ એશિયાના સૌથી શક્તિશાળી દેશ ઈરાને પરમાણુ શસ્ત્રો મુદ્દે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજેશ્કિયાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમનો દેશ ક્યારેય પરમાણુ બોમ્બ વિકસાવશે નહીં. રસપ્રદ વાત એ છે કે, તેમણે આ પાછળનું કારણ અમેરિકાનો ડર કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને નહીં, પરંતુ તેમના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના ૨૫ વર્ષ જૂના 'ફતવા'ને ગણાવ્યો છે.
રાષ્ટ્રપતિ પજેશ્કિયાને ગુરુવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, "જ્યારે અમારા સર્વોચ્ચ ધાર્મિક નેતા જાહેર કરે છે કે પરમાણુ શસ્ત્રો હરામ છે, ત્યારે તેનો અર્થ એ છે કે અમે તેને ક્યારેય બનાવીશું નહીં." તેમણે વધુમાં ઉમેર્યું કે એક ધાર્મિક નેતા રાજકીય નેતાઓની જેમ ક્યારેય જૂઠું બોલી શકે નહીં. નોંધનીય છે કે અલી ખામેનીએ વર્ષ ૨૦૦૦ની શરૂઆતમાં જ પરમાણુ હથિયારોના નિર્માણ પર પ્રતિબંધ મૂકતો ધાર્મિક આદેશ (ફતવો) જારી કર્યો હતો, જેને ઈરાન અત્યારે પોતાનું સૌથી મોટું સંરક્ષણ કવચ બનાવી રહ્યું છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જીનીવામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ત્રીજા રાઉન્ડની પરમાણુ વાટાઘાટો શરૂ થવાની તૈયારીમાં છે. ઈરાને અગાઉ પ્રસ્તાવ મૂક્યો હતો કે જો અમેરિકા તેના પરના તમામ આર્થિક પ્રતિબંધો હટાવી લે, તો તે યુરેનિયમ સંવર્ધન ઘટાડીને માત્ર ૩-૪% કરવા તૈયાર છે. જોકે, અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરવા માંગે છે, જે અત્યારે બંને દેશો વચ્ચે વિવાદનું મુખ્ય કેન્દ્ર છે.
વિશ્વભરના સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ઈરાનનું આ નિવેદન વાટાઘાટોમાં પોતાનું પલ્લું ભારે રાખવા માટેની એક વ્યૂહરચના હોઈ શકે છે. ઈરાન તે સાબિત કરવા માંગે છે કે તેનો કાર્યક્રમ માત્ર ઉર્જા અને શાંતિપૂર્ણ હેતુઓ માટે જ છે. હવે જોવાનું એ રહેશે કે શું અમેરિકા ખામેનીના આ ફતવા પર વિશ્વાસ મૂકીને પ્રતિબંધો હટાવશે કે પછી બંને દેશો વચ્ચેનો તણાવ વધુ ઘેરો બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
