<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

પાકિસ્તાનની 'પરમાણુ ધમકી' હવે જૂની થઈ, ભારત જરાય ડરશે નહીં: લેફ્ટનન્ટ જનરલની પઠાણકોટથી સીધી ચેતવણી- "આ વખતે પાકિસ્તાનને એવો ફટકો પડશે કે પેઢીઓ યાદ રાખશે"

ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાના તેવર બદલાયા; 'બદલો' નહીં પણ હવે 'નિર્ણાયક વિજય' અમારું લક્ષ્ય - વેસ્ટર્ન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારનું ગર્જનાભર્યું સંબોધન

પઠાણકોટ, તા. ૨૬: સીમા પારથી વારંવાર મળતી પરમાણુ હુમલાની પોકળ ધમકીઓ પર ભારતીય સેનાએ આકરા પ્રહાર કર્યા છે. પઠાણકોટ ખાતે આયોજિત એક વિશેષ સન્માન સમારોહમાં વેસ્ટર્ન કમાન્ડના જીઓસી-ઇન-સી, લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત હવે તેમના 'ન્યુક્લિયર બ્લેકમેલિંગ' થી ડરવાનું નથી. તેમણે ગર્જના કરી હતી કે જો પાકિસ્તાન કોઈ પણ દુઃસાહસ કરશે, તો ભારતનો વળતો જવાબ છેલ્લી વખત કરતાં પણ અનેકગણો વધુ ભયાનક અને કઠોર હશે.

જનરલ કટિયારે 'ઓપરેશન સિંદૂર' ની સફળતાને યાદ કરતા જણાવ્યું હતું કે, "અમે તેમના તમામ આતંકવાદી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા હતા અને જ્યારે તેમણે વળતો પ્રયાસ કર્યો, ત્યારે અમે તેમના લશ્કરી અને હવાઈ મથકોને નેસ્તનાબૂદ કરી દીધા હતા. પાકિસ્તાનની હાલત એવી થઈ ગઈ હતી કે તેમણે યુદ્ધવિરામ માટે અન્ય દેશો પાસે ભીખ માંગવી પડી હતી. તેઓ સીધી લડાઈ લડવાની તાકાત ધરાવતા નથી, એટલે જ પરમાણુ બોમ્બનું નામ લઈને છેતરપિંડી કરી રહ્યા છે."

લેફ્ટનન્ટ જનરલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પર નિશાન સાધતા કહ્યું કે, શરીફ આપણને કડક પગલાં લેતા અટકાવવા માટે જ પરમાણુ ડર બતાવી રહ્યા છે, પણ ભારત આ વખતે કોઈ પણ ભ્રમમાં રહેવાનું નથી. ભારતીય સેનાની રણનીતિ હવે માત્ર હુમલાનો જવાબ આપવા પૂરતી સીમિત નથી, પરંતુ દુશ્મનનો જમીન પર જ સફાયો કરીને નિર્ણાયક વિજય મેળવવાની છે.

"ખતરો હજુ ટળ્યો નથી, પણ અમારી તૈયારીઓ લોખંડી છે," તેમ જણાવતા જનરલે ઉમેર્યું કે પાકિસ્તાની લશ્કરી નેતૃત્વ સત્તા ટકાવી રાખવા માટે સંઘર્ષને વેગ આપી રહ્યું છે. જો પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નહીં આવે, તો આ વખતે તેમને જે ફટકો પડશે તે અકલ્પનીય હશે. ભારતીય સેનાના આ આક્રમક તેવરે સરહદ પાર ચોક્કસપણે ફફડાટ ફેલાવી દીધો છે.

 

(5:25 PM IST)