ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
NCERT પાઠ્યપુસ્તક વિવાદ: પીએમ મોદીના લાલઘૂમ તેવર : ન્યાયતંત્ર પરના 'ભ્રષ્ટાચાર'ના પાઠ બાદ શિક્ષણ જગતમાં ભૂકંપ
વડાપ્રધાન મોદીએ કેબિનેટ બેઠકમાં વ્યક્ત કરી સખત નારાજગી, સુપ્રીમ કોર્ટે ધોરણ-8 ના પુસ્તકો જપ્ત કરવાનો આપ્યો આદેશ : શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જવાબદારો સામે કડક કાર્યવાહીના આપ્યા સંકેત

નવી દિલ્હી: ભારતના શિક્ષણ જગતમાં અત્યારે NCERT ના એક પાઠ્યપુસ્તકે મોટો વિવાદ છેડ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) ના ધોરણ-8 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેના વિવાદાસ્પદ પ્રકરણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી નારાજગી વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પીએમ મોદીએ કેબિનેટ બેઠક દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "બાળકોને શું પીરસવામાં આવી રહ્યું છે તેનું કડક નિરીક્ષણ થવું જોઈએ." આ વિવાદ એટલો વકર્યો છે કે સુપ્રીમ કોર્ટે પણ તેની ગંભીર નોંધ લેતા આ પાઠ્યપુસ્તક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે અને તેની તમામ નકલો તાત્કાલિક જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.
આ ઘટનાએ ન્યાયતંત્ર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે તણાવ પેદા કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે આકરા શબ્દોમાં કહ્યું કે, આ ન્યાયિક સંસ્થાને જાણીજોઈને કલંકિત કરવાનો એક સુનિયોજિત પ્રયાસ લાગે છે. કોર્ટે NCERT ના ડિરેક્ટર અને શિક્ષણ સચિવને 'કારણ બતાવો નોટિસ' ફટકારી છે કે તેમની સામે ન્યાયતંત્રના અપમાન બદલ અવમાનનાની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? સુપ્રીમ કોર્ટની આ કડકાઈ બાદ કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને માફી માંગતા સ્વીકાર્યું છે કે આ એક ગંભીર ભૂલ છે અને આ વિવાદાસ્પદ પ્રકરણ તૈયાર કરનાર નિષ્ણાતો અને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ કરવામાં આવશે.
હાલમાં દેશભરમાંથી આ પાઠ્યપુસ્તકની ડિજિટલ નકલો દૂર કરવામાં આવી રહી છે અને ભૌતિક પુસ્તકોનું વિતરણ અટકાવી દેવામાં આવ્યું છે. પીએમ મોદી ઇઝરાયલની મુલાકાતેથી પરત ફર્યા બાદ આ મુદ્દે શિક્ષણ મંત્રાલયમાં મોટા ફેરફારો અને જવાબદારોની હકાલપટ્ટી થવાની પૂરેપૂરી સંભાવના છે. સરકાર હવે એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ભવિષ્યમાં પાઠ્યપુસ્તકોમાં કોઈ પણ બંધારણીય સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચે તેવું કન્ટેન્ટ ન હોય. આ વિવાદે દેશમાં પાઠ્યપુસ્તકોના પુનરાવર્તન અને તેની ચકાસણી માટેની પ્રક્રિયા પર ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
