News of Thursday, 26th February 2026
યરુશલમમાં પીએમ મોદીનો દબદબો: "આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નથી", ભારત-ઈઝરાયલ વચ્ચે 'વિશેષ વ્યુહાત્મક ભાગીદારી' અને UPI પેમેન્ટના ઐતિહાસિક કરાર
પીએમ મોદીએ ઈઝરાયલની સંસદ 'Knesset' ને સંબોધી ઈતિહાસ રચ્યો; હોલોકોસ્ટ મ્યુઝિયમની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, ડિફેન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે રચાશે નવો અધ્યાય

તેલ અવીવ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બીજી ઐતિહાસિક ઈઝરાયલ મુલાકાત બંને દેશોના સંબંધોમાં એક નવો સૂર્યોદય લઈને આવી છે. યરુશલમ પહોંચેલા પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં વિશ્વને સંદેશ આપ્યો કે આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને ઈઝરાયલ ખભેથી ખભા મિલાવીને ઊભા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "માનવતા ક્યારેય સંઘર્ષનો ભોગ ન બનવી જોઈએ" અને ભારત તમામ શાંતિ પ્રયાસોનું સમર્થન કરે છે.
મુલાકાતના સૌથી મહત્વપૂર્ણ પાસામાં, ભારત અને ઈઝરાયલે તેમના સંબંધોને હવે 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી'નો દરજ્જો આપ્યો છે. આ સાથે જ ડિજિટલ ઈન્ડિયાના ક્ષેત્રે મોટી સફળતા મેળવતા ઈઝરાયલમાં હવે ભારતનું UPI પણ કાર્યરત થશે, જેના માટે મહત્વના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ બંને દેશો વચ્ચે 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ'ને પણ અંતિમ રૂપ આપવામાં આવશે.
ઈઝરાયલની સંસદમાં પીએમ મોદીનું ઐતિહાસિક સંબોધન: નરેન્દ્રભાઈ મોદી ઈઝરાયલની સંસદ 'Knesset' ને સંબોધિત કરનારા ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા છે. પોતાના સંબોધનમાં તેમણે ભારત અને ઈઝરાયલના લોકશાહી મૂલ્યોની સમાનતા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદી અને બેન્જામિન નેતન્યાહૂએ એક ખાસ ઈનોવેશન પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ ટેકનોલોજી અને એગ્રી-ટેક જેવા ભવિષ્યના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન પીએમ મોદી યહૂદી નરસંહારના સ્મારક 'યાદ વાશેમ' પહોંચ્યા હતા. હોલોકોસ્ટમાં જીવ ગુમાવનારા લાખો લોકોની યાદમાં બનેલા આ મ્યુઝિયમમાં પીએમ મોદી ભાવુક જણાતા હતા. તેમણે ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરી અને મુલાકાતી પોથીમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો. આ મુલાકાત માત્ર ડિપ્લોમેટિક નહીં પણ ભાવનાત્મક રીતે પણ બંને દેશોને નજીક લાવી છે.
ડિફેન્સ સેક્ટરમાં પણ ભારત અને ઈઝરાયલ હવે માત્ર ખરીદનાર-વેચનાર નહીં પણ સહ-ઉત્પાદક અને સંશોધન ભાગીદાર તરીકે આગળ વધશે. પીએમ મોદીએ ઈઝરાયલના રાષ્ટ્રપતિ હર્ઝોગને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે, જે સૂચવે છે કે આગામી સમયમાં આ મિત્રતા વધુ ગાઢ બનશે
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
